કમ્પાલાઃ ઘણાં દેશોએ વૈશ્વિક કોવેક્સ અભિયાનમાં મળેલા કોવેક્સિન વેક્સિનના જથ્થાને આવકાર આપ્યો હતો. કેટલાંક દેશોએ વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. જોકે, અધિકારીઓ માને છે કે તેમના ખંડ માટે તેમને વધુ પ્રમાણમાં વેક્સિન જોઈશે. કોવિડ – ૧૯ વેક્સિનના ઉત્પાદન માટે આફ્રિકાને ખંડીય ક્ષમતાની જરૂર હોવાનું આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) જણાવ્યું હતું.
યુગાન્ડા વાઈરસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના હેડ પોન્ટિઆનો કલીબુએ જણાવ્યું હતું કે તેમના દેશને વેક્સિનનો પહેલો જથ્થો મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ધનવાન દેશોએ સ્વાર્થી થવું જોઈએ નહીં. આ ચિંતાની વાત છે અને બધા તેની ચર્ચા કરે છે. ૪૫ મિલિયનની વસતિ ધરાવતા દેશને ૧૮ મિલિયન ડોઝની સામે એક મિલિયન કરતાં ઓછા ૮૬૪,૦૦૦ વેક્સિન ડોઝ મળ્યા હતા.પરંતુ, પૂરો જથ્થો ક્યારે મળશે તેની માહિતી નથી.
એપિડેમિયોલોજિસ્ટ અને પ્રમુખના સલાહકાર મોનિકા મુસેનેરોએ જણાવ્યું કે આ જથ્થાથી ખાસ કંઈ થશે નહીં. આપણે વધુ જથ્થો મળે તે માટે રજૂઆત કરવી પડશે. પરંતુ, આપણને જે જથ્થો મળ્યો છે તેની પ્રશંસા કરવી જોઈએ. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને કોવિડ – ૧૯ વેક્સિન મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કોવેક્સ અભિયાન શરૂ કરાયું હતું. તે પહોંચાડવામાં મોડું થયું છે અને મર્યાદિત પ્રમાણમાં વેક્સિનનો જથ્થો અપાય છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા અને ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન આર્ચબિશપ ડેસમન્ડ ટુટુ અને તેમના પત્ની લીહના ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું કે ઓછી આવકવાળા દેશોને તાકીદે આ વેક્સિન, નિદાન માટેના સાધનો અને ટ્રીટમેન્ટ્સ મળે તેમ કરવું જ જોઈએ. ફાઉન્ડેશને જણાવ્યું કે મોટાભાગનો વેક્સિનનો જથ્થો સંખ્યામાં ખૂબ ઓછાં ધનવાન દેશો પાસે છે. આ સમય સ્વાર્થી થવાનો નથી. કોવિડ -૧૯ વેક્સિનના ઝડપી અને વ્યાપક ઉત્પાદન માટે તેને બૌધ્ધિક સંપદા અધિકારોમાંથી મુક્તિ આપવા માટે અનુરોધ વધી રહ્યા હોવાનું ફાઉન્ડેશને નોંધ્યુ હતું.
દરમિયાન, આફ્રિકા ખંડ ૧.૩ બિલિયન લોકોને વેક્સિન આપવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આફ્રિકાના CDCના ડિરેક્ટર ડો. જહોન ન્કેનગાસોંગે જણાવ્યું હતું કે પાંચ આફ્રિકન રાષ્ટ્રો વેક્સિનનું ઉત્પાદન કરવાની ક્ષમતા સુધી પહોંચી ગયા છે. એક ખંડ તરીકે તેનું ઉત્પાદન કરી શકીએ તે જરૂરી છે કારણ કે આ વેક્સિનથી રોગ પ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી જળવાઈ રહેશે તે હકીકતમાં આપણે જાણતા નથી. બે વર્ષ કે તે પછી વાઈરસ સામે ઈમ્યુનિટી અસરકારક રહે તો આપણને તેની નિયમિત રીતે અથવા વધારાના વેક્સિનેશનની અથવા તે વધારવાની જરૂર પડે અને તે સમયે આપણી ક્ષમતા સમગ્ર ખંડની જરૂરતને પહોંચી વળાય તેવી હોવી જોઈએ.