કમ્પાલાઃ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા યુગાન્ડાવાસીઓને એક પ્રોત્સાહક પેકેજ મળશે. સરકારે યુગાન્ડા ડેવલપમેન્ટ બેંકને ૬૫ મિલિયન ડોલરની લોન લેવા માટે ગેરંટી આપી છે. આ લોન માટે ૧૫ મિલિયન ડોલર યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, ૧૦ મિલિયન ડોલર ઈસ્લામિક ટ્રેડ ફાઈનાન્સ કોર્પોરેશન, ૨૦ મિલિયન ડોલર ઓપેક ફંડ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને ૨૦ મિલિયન ડોલર આરબ બેંક ફોર ઇકોનોમિક ડેવલોપમેન્ટ પાસેથી મેળવવામાં આવશે.
ગઈ ૨૧ એપ્રિલે પ્રારંભિક બેઠકમાં વિનંતી પરનો અહેવાલ રજુ કરતા નેશનલ ઈકોનોમી વિશેની કમિટીના ચેરપર્સન સઈદા બ્બુમ્બાએ જણાવ્યું હતું કે આ ફંડનો ઉપયોગ કૃષિ ઉત્પાદન અને એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે કોવિડ મહામારીને લીધે થયેલી નકારાત્મક અસરમાંથી અર્થતંત્રની ઝડપી રિકવરીને મદદરૂપ થવા જે ખાસ પ્રોત્સાહક પેકેજ સરકાર દ્વારા જાહેર કરાયું હતું તેના ભાગને અમલમાં મૂકવા માટે બેન્કને આ ફંડ મળી રહ્યું છે. સાંસદોએ લોનને આવકાર આપ્યો હતો. પરંતુ તેના પર ૧૩ ટકાના ઊંચા વ્યાજદરની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કૃષિ ક્ષેત્રમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને આ વ્યાજદર ઉંચો પડે તેમ છે.
અદજુમાની ડિસ્ટ્રિક્ટ વુમન રીપ્રેઝન્ટેટિવ જેસિકા અબાબિકુએ જણાવ્યું હતું કે વ્યાજનો દર ઘટાડવાની જરૂર છે કારણકે મોટાભાગના લોન લેનારને મુડી ચૂકવવાની પણ સમસ્યા છે. ૧૩ ટકાનો વ્યાજદર નાના લેણદારોને મદદરૂપ ન થાય.
મ્બાલે મ્યુનિસિપાલિટીના FDC જેક વામાન્ગાએ જણાવ્યું કે ઉંચા વ્યાજદરને લીધે યુગાન્ડાવાસીઓ કૃષિક્ષેત્રમાં આવશે નહીં. સરકારે ઓછા વ્યાજદરની લોન આપીને લોકોને કૃષિક્ષેત્રમાં આકર્ષવા જોઈએ.