એક્રાઃ યુરોપિયન યુનિયનમાં છૂટાં થયા પછી બ્રિટને કરેલી દ્વિપક્ષીય સમજૂતીઓ પૈકી એકમાં ઘાના અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે બુધવારે ૧.૬ બિલિયન ડોલરની વ્યાપાર સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ ઘાનાને ડ્યુટી ફ્રી અને ક્વોટા ફ્રી યુકેનું માર્કેટ મળશે. તેમજ યુકેના નિકાસકારો ઘાનાના માર્કેટમાં જે નિકાસ કરશે તેમાં તેમને ટેરિફમાં રાહત મળશે તેમ યુકે સરકારની વેબસાઈટ પર એક નિવેદનમાં જણાવાયું હતું.
તેનો અર્થ એ કે કેળા, ટીનપેક ટુના અને કોકો જેવી ઘાનાની પ્રોડક્ટનું બ્રિટનમાં ટેરિફ ભર્યા વિના વેચાણ થઈ શકશે. ઈયુમાંથી છૂટા પડ્યા પહેલા બ્રિટને ૧૬ આફ્રિકન દેશો સાથે યુકે ઇકોનોમિક પાર્ટનરશીપ કરી હતી જેથી તે ઈયુમાં હતું ત્યારે કરેલી સમજૂતીઓને આગળ ચાલુ રાખી શકે. આફ્રિકન દેશોને ઈયુ જે રાહત આપે છે એટલે કે તે દેશો યુકેમાં નિકાસ કરે તો તેમને ટેરિફ અથવા ડ્યુટી ભરવી પડતી નથી તે જ રાહતો આમાં અપાઈ છે. પરંતુ તેમાં ઘાનાનો સમાવેશ કરાયો ન હતો. એટલે વેપાર સમજૂતી વિના આયાતકારોને ટેરિફ અને વધારાના પેપરવર્ક કરવું પડતું હતું. યુકેએ ગયા ડિસેમ્બરમાં ઇજિપ્ત સાથે પણ વ્યાપાર સમજૂતી કરી હતી. યુકે સરકારે જણાવ્યું હતું કે બ્રિટનમાં ઘાનાની સૌથી મોટી નિકાસમાં મિનરલ ફ્યુઅલ અને ઓઇલ, ફીશની બનાવટો, કોકો અને કોકોની બનાવટોનો સમાવેશ થાય છે.
બંને સરકારોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાના અને યુકેમાં જરૂરી સંબંધિત આંતરિક પ્રક્રિયા પૂરી થયા પછી આ સમજૂતી અમલી બનશે. આફ્રિકા સાથે યુકે મોટાપાયે વ્યાપાર કરવા માગે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોન્સને ૨૦૨૦ માં દાવોસની મુલાકાત ટાળીને યુકે - આફ્રિકા ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કર્યું હતું. તેમાં લગભગ આઠ બિલિયન ડોલરની સમજૂતી થઈ હોવાની જાહેરાત કરાઇ હતી. જોકે, યુકે ઈયુ, અમેરિકા, ચીન દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સાથેની સમજૂતીઓને આફ્રિકા કરતા પ્રાધાન્ય આપે તેવી શક્યતા છે