કમ્પાલાઃ મિત્યાના મ્યુનિસિપાલિટી Mp ફ્રાન્સિસ ઝાકેએ પોતાને થયેલી કનડગતમાં સરકાર વિરુદ્ધના કેસમાં ચુકાદો આપવામાં વિલંબ કરી રહ્યા હોવાનો હાઈ કોર્ટના જજ એસ્ટા નામ્બાયો પર આક્ષેપ કર્યો હતો. આ કેસમાં ૪ મેએ ચુકાદો સંભળાવવામાં આવનાર હતો. જોકે, ચોથી વખત મુદત પડતાં ઝાકેએ આ પ્રતિક્રિયા આપી હતી.
તેમને હતાશ કરવા માટે ન્યાયતંત્ર દ્વારા ઈરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યો હોવાનો વિરોધ કરતાં ઝાકેએ જણાવ્યું કે કેસ શરૂ થયો ત્યારથી તેનો હવાલો સંભાળતા જજ કેસ જોયા વગર ક્લાર્કને જ મોકલ આપે છે. કેટલીક મુદતો પડ્યા છતાં જસ્ટિસ નામ્બાયોએ ચુકાદો આપ્યો નથી તે ગેરવ્યાજબી છે.
ગયા વર્ષે મેમાં ઝાકેએ તેમના વકીલો કિઝા એન્ડ મુગીશા એડવોકેટ્સ મારફતે ત્રાસ ગુજારવા બદલ સરકાર અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સામે કેસ કર્યો હતો. પિટિશનમાં તેમણે પોલીસ અને મિલિટરી ઓફિસરો પાસેથી વ્યક્તિગત તથા સરકાર પાસેથી વળતર માગ્યુ હતું.