લંડનઃ કોલોનિયલ યુગ દરમિયાન લૂંટાયેલી કિંમતી કલાકૃતિઓ નાઈજીરીયાને પરત સોંપવાની જર્મન સરકારે જાહેરાત કરી હતી. તેનો પ્રથમ જથ્થો ૨૦૨૨માં પાછો મોકલવાનું આયોજન છે. જર્મન કલ્ચર મિનિસ્ટર મોનીકા ગ્રૂટર્સે આ ડિકલેરેશનને ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમાં જે મ્યુઝિયમો પાસે બેનીનની વસ્તુઓ હોય તેનું તેમણે ડોક્યુમેન્ટેશન કરવાનું રહેશે અને તે વિગતો નવી વેબસાઈટ પર મૂકવામાં આવશે.
તાજેતરમાં પ્રકાશિત થયેલી સંયુક્ત જાહેરાતમાં જર્મનીના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સરકારના પ્રધાનો અને મ્યુઝિયમના ડિરેક્ટરો બ્રોન્ઝ, બ્રાસ અને આઈવરીમાંથી બનાવાયેલી બેનીન બ્રોન્ઝિસનો જથ્થો પાછો મોકલશે. ૧૮૯૭માં વર્તમાન નાઈજીરીયા અને તે સમયના કિંગ્ડમ ઓફ બેનીન પર કરાયેલા હુમલામાં બ્રિટિશ આર્મી આ કલાકૃતિઓ લઈ ગયું હતું.
તે પછી ઘણાં બ્રોન્ઝિસ દુનિયામાં વિતરિત કરાયા હતા. હાલ જર્મનીના મ્યુઝિયમોમાં ઘણી કલાકૃતિઓ છે જે પરત મોકલવા માટે દાયકાઓથી નાઈજીરીયા અનુરોધ કરી રહ્યું છે.
નાઈજીરીયાના ઈન્સ્ટિટ્યુટ ફોર બેનીન સ્ટડીઝના સંશોધક અને ઈતિહાસવિદ ઓસાઈસોનોર ગોડફ્રે એખાતોર – ઓબોજીએ પરત આપવાના અભિયાનમાં જર્મની મોખરે હોવાનું કહીને આ નિર્ણયને આવકાર્યો હતો. અન્ય યુરોપિયન દેશોએ પણ એ સ્વીકારવું જોઈએ કે ૧૮૯૭માં લૂટાયેલી તમામ કલાકૃતિઓ અને વસ્તુઓની માલિકી બેનીનના લોકોની છે. જર્મનીની માફક તેમણે પણ પહેલ કરવી જોઈએ અથવા આ વસ્તુઓના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટે વાટાઘાટોમાં જોડાવું જોઈએ. આ નિર્ણય પક્ષો સાથે સંધિ છે. આ કોઈ વિન–વિન પોઝીશન અથવા વિજેતા બધું લઈ જાય તેવું નથી. આ ઐતિહાસિક પળ વિશે હું મારા બાળકોને કહીશ.