જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા ફરીથી લાંચ રુશ્વતવિરોધી કમિશન સમક્ષ હાજર થયા ન હતા. કેટલાંક સમન્સ અને કમિશનના આદેશો પછી અને કોર્ટે તેમને હાજર થવા માટે દબાણ કર્યું હોવા છતાં તે હાજર થયા ન હતા. ઝૂમાની ગેરહાજરીનો તેમની લીગલ ટીમે બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કૃત્યને કમિશનના આદેશના ભંગ તરીકે ગણવું ન જોઈએ.
એક પત્રમાં તેમણે જણાવ્યું,‘ અમે રેકર્ડ પર એ પણ જણાવીએ છીએ કે રિવ્યુ અરજી બંધારણીય કોર્ટ સમક્ષ ન હતી અને તેથી તે કોર્ટમાં તેના પર વિચારણા થઈ ન હતી કે તેમાં કોઈ નિર્ણય પણ આવ્યો ન હતો. અમે ફરી જણાવીએ છીએ કે ઉપરોક્ત બાબતને કાનૂની પ્રક્રિયાના કોઈપણ પ્રકારના ભંગ તરીકે ગણવી જોઈએ નહીં.
કમિશન સમક્ષ ઝૂમા હાજર ન થયા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. તેઓ જાન્યુઆરીની ઈન્ક્વાયરી મિટીંગમાં પણ હાજર ન હતા અને પાછળથી કમિશનના વડા અને ડેપ્યૂટી ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોન્ડો પર પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો.
ઝૂમા ગેરહાજર રહેતા ઝોન્ડોએ તેમની આકરી ટીકા કરતા કહ્યું કે તે (ઝૂમા) માને છે કે કોર્ટ ઈરેગ્યુલર છે એટલા કારણસર જ કાયદો સમન્સની અવગણના કરવાનું કહેતો નથી. પોતાના શબ્દોમાં જ તેમણે જણાવ્યું હતું કે તેઓ બંધારણીય કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરશે. પરંતુ તે આ દેશની સર્વોચ્ચ કોર્ટનો અનાદર કરે છે.
તેમણે ઉમેર્યું કે કોઈ ગેરરીતિમાં પોતે સંડોવાયેલા નથી તેમ તેઓ કહે છે તો તેઓ સાક્ષી તરીકે હાજર થવાથી શા માટે ગભરાય છે તે વાત યોગ્ય લાગતી નથી.