જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ૭૮ વર્ષીય પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા અને બે દાયકા અગાઉના ભ્રષ્ટાચારના કેસના આરોપી ફ્રેન્ચ આર્મ્સ કંપની થેલ્સ વિરુદ્ધ આગામી મે મહિનામાં ટ્રાયલ હાથ ધરવા હાઈ કોર્ટે ૨૩ ફેબ્રુઆરીએ ચૂકાદો આપ્યો હતો. ઝૂમા વિરુદ્ધ ફાઈટર જેટ, પેટ્રોલ બોટ્સ અને લશ્કરી સાધનોની ખરીદીમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને ષડયંત્ર ઘડવાના ૧૬ આરોપ છે. દરમિયાન, ઝૂમા પ્રમુખ હતા ત્યારે મોટાપાયે સરકારી ભ્રષ્ટાચારની તપાસ કરતા ઝોન્ડો કમિશને જુબાની આપવાનો ઈનકાર બદલ તેમને બે વર્ષની જેલની સજા કરવા સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો.
જેકબ ઝૂમા ડેપ્યૂટી પ્રેસિડેન્ટ હતા ત્યારે ૧૯૯૯ માં ફ્રેન્ચ એરોસ્પેસ અને ડિફેન્સ કંપની થેલ્સ સાથેના ૩.૪ બિલિયન ડોલરના શસ્ત્ર સોદામાં કથિત રીતે ૪ મિલિયન રેન્ડ (૨૭૦,૦૦૦ ડોલર) ની લાંચ લીધી હોવાનું મનાય છે. થેલ્સે શસ્ત્ર સોદા સંબંધિત ષડયંત્ર ઘડવાના આરોપોને પડકારતા આ કેસ ગયા ડિસેમ્બરમાં મુલતવી રખાયો હતો. પરંતુ, કોર્ટે એક ચૂકાદામાં તેની અરજીને ગઈ ૨૨ જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. થેલ્સે તેને પડકારવાનો ઈન્કાર કર્યો હતો. પીટર મેરિત્ઝબર્ગમાં હાઈ કોર્ટના જજ ન્કોસિનાથી ચીલીએ જણાવ્યું કે આ મેટર ટ્રાયલ માટે તૈયાર હોવાનું સર્ટિફાઈ થયું છે અને તેની સુનાવણી ૧૭ મે અને ૨૦ જૂન વચ્ચે હાથ ધરાશે. સરકાર અને બચાવ પક્ષના એટર્નીએ પ્રિ - ટ્રાયલ કોર્ટ માટે વધારાનો સમય ફાળવવા સૂચન કર્યું હતું. આ માટે તેમણે અન્ય બાબતોમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પર નિયંત્રણોને લીધે વિદેશમાં રહેતા સાક્ષીઓની હાજરીનો મુદો પણ ઉઠાવ્યો હતો.
દરમિયાન, ૨૦૧૮માં જજ રેમન્ડ ઝોન્ડો કમિશનની રચના થઈ ત્યારથી ઝૂમાએ કેટલીક વખત અપીલો કરીને અને મૌન રહેવાનો પોતાનો અધિકાર હોવાનું જણાવીને મામલામાં સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. લગભગ ૪૦ સાક્ષીઓની જુબાનીને લીધે તેઓ ગુનામાં ફસાઈ ગયા છે. મહિનાઓ સુધી જુબાની આપવાનું ટાળ્યા પછી ના કમિશને ભૂતપૂર્વ પ્રમુખને ‘ઈરાદાપૂર્વક અને ગેરકાયદેસર’ રીતે તપાસને આગળ વધવા ન દેવા બદલ સજા કરવા બંધારણીય કોર્ટમાં અરજન્ટ અપીલ દાખલ કરી છે. પૂર્વ પ્રમુખ ઝૂમાને સમન્સ પાઠવ્યું હોવા છતાં તેઓ ૧૫ ફેબ્રુઆરીએ ફરીથી કમિશન સમક્ષ હાજર થયા ન હતા. ઝૂમાએ માત્ર એક વખત જુલાઈ ૨૦૧૯માં કમિશન સમક્ષ જુબાની આપી હતી.