કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા પ્રમુખ બન્યા તે પહેલાના એક દાયકામાં ફ્રેન્ચ કંપની થેલેસ પાસેથી રોકડ પેમેન્ટ સહિત ૭૦૦થી વધુ વખત લાંચ લીધી હોવાનો પ્રોસિક્યુટરોએ ૨૫ મેએ ભ્રષ્ટાચારના કેસમાં ટ્રાયલના પ્રથમ દિવસે આક્ષેપ કર્યો હતો.
બ્લૂ સૂટ, લાલ ટાઈ અને ફેસ માસ્ક પહેરીને કોર્ટમાં હાજર રહેલા ૭૯ વર્ષીય જેકબ ઝૂમાએ ચીફ પ્રોસિક્યુટરને કેસમાંથી હટાવી લેવાની માગ કરતા પેપર્સ ફાઈલ કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તે પક્ષપાતી છે. જજે જણાવ્યું કે તેઓ ઝૂમાની અરજી પર વિચાર કરશે. ઝૂમા દોષી ઠરશે તો તેમને ૨૫ વર્ષની જેલ થશે. ટ્રાયલમાં ૧૯ જુલાઈની મુદત પડ્યા પછી ઝૂમાએ કોર્ટહાઉસ બહાર તેમના સેંકડો સમર્થકોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું,' મેં કોઈની પાસેથી કશું લીધું નથી. મેં કશું જ ખોટું કર્યું નથી.'
ઝૂમાને ૨૦૧૮માં ભ્રષ્ટાચારના ઘણાં કૌભાંડ વચ્ચે સત્તા પરથી બળજબરીપૂર્વક દૂર કરાયા તે પહેલા ૨૦૦૯થી તેઓ પ્રમુખપદે હતા. પીટરમેરીટ્ઝબર્ગ હાઈ કોર્ટમાં તેમણે ભ્રષ્ટાચાર, રેકેટીયરીંગ, છેતરપિંડી, કરચોરી અને મની લોન્ડરિંગનો ગુનો કબૂલ્યો ન હતો.
ઝૂમા પર ૧૯૯૯માં સાઉથ આફ્રિકા ફ્રેન્ચ કંપની થેલ્સ સાથે મલ્ટી - બિલિયન ડોલરનો શસ્ત્ર સોદો કરે તે સુનિશ્ચિત કરવા માટે તે કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ છે. આ ટ્રાયલમાં આરોપી થેલ્સ એ પણ રેકેટીયરીંગ અને મનીલોન્ડરિંગનો ગુનો કબૂલ્યો ન હતો.
ઝૂમાને ૨૦૦૫માં ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ હોદ્દેથી દૂર કરાયા તે પહેલા ૧૯૯૯થી તેઓ સાઉથ આફ્રિકાના ડેપ્યૂટી પ્રેસિડેન્ટ હતા.