હરારેઃ ઝિમ્બાબ્વેની કોર્ટે એવોર્ડ વિજેતા પત્રકાર ને સરકારના વિવેચક હોપવેલ ચીનોનો સામેનો આરોપ પડતો મૂક્યો હતો. તેમના પર ગયા જાન્યુઆરીમાં કથિત પોલીસ હિંસા વિશે ખોટી માહિતી ટ્વીટ કરવાનો આરોપ મૂકાયો હતો. એમરસન મ્નાન્ગાગ્વાએ ૨૦૧૭માં ઝિમ્બાબ્વેના પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી અસંતોષ ફેલાતા તેઓ ટીકાનો ભોગ બની રહ્યા છે.
હાઈ કોર્ટ ઓફ ઝિમ્બાબ્વેએ ખોટી માહિતી અંગેના આરોપનો કોઈ કાનૂની આધાર નથી એમ જણાવીને પડતો મૂક્યો હતો. ચીનોનોના વકીલોએ દલીલ કરી હતી કે તેમના અસીલ પર સુપ્રીમ કોર્ટે ૨૦૧૪ માં રદ કરી નાખેલી ક્રિમિનલ કોડની કલમ હેઠળનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાઈ કોર્ટના જજ જેસ્ટા ચારેહવાએ ચૂકાદો આપ્યો કે દલીલને માન્ય રાખવામાં આવે છે. અરજદાર વિરુદ્ધના આરોપો રદ કરવામાં આવે છે. ચીનોનોએ આ ચૂકાદાને તેમના ટ્વીટર એકાઉન્ટ પર વધાવ્યો હતો. તેમણે લખ્યું કે જે કાયદો અસ્તિત્વમાં નથી તેના હેઠળ આરોપ લગાવાયો હતો. આ દમન છે.
ગયા જુલાઈમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી દેખાવોને સમર્થન આપ્યું ત્યારથી અત્યાર સુધીમાં ૫૦ વર્ષીય ચીનોનોની ત્રણ વખત ધરપકડ કરાઈ હતી. તે વખતે તેમની પ્રથમ વખત ધરપકડ કરાઈ હતી અને જાહેર હિંસા ભડકાવવાનો તેમના પર આરોપ મૂકાયો હતો. નવેમ્બરમાં કથિતરૂપે ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ વિશેની બે ટ્વીટને લીધે અને જાન્યુઆરીમાં ખોટી માહિતી પ્રકાશિત કરવા બદલ તેમને ફરી જેલમાં મોકલાયા હતા. તેમને એક વીડિયો પોસ્ટ કરવા બદલ જેલભેગા કરાયા હતા.