હરારેઃ ઝિમ્બાબ્વેના સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ કેમ્બો મોહાદીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને પગલે તાજેતરમાં પોતાના હોદ્દેથી રાજીનામું આપ્યું હતું. અહેવાલોમાં જણાવ્યું હતું કે તેઓ અયોગ્ય વર્તણૂકમાં સામેલ હતા. પ્રમુખ એમરસન મ્નગાગ્વાએ ૨૦૧૭ માં જે બે ડેપ્યુટી પ્રેસિડેન્ટ નિમ્યા હતા તેમાં મોહાદી એક છે.
ઇન્ફર્મેશન મિનિસ્ટ્રીએ શેર કરેલા પત્રમાં ૭૦ વર્ષીય મોહાદીએ જણાવ્યું હતું કે તેમણે કાયરતાને લીધે નહીં પણ પ્રમુખપદના હોદ્દા પ્રત્યે આદર દર્શાવીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે મોહાદીને તેમના હાથ નીચે કામ કરતી મહિલાઓ સહિત પરિણીત મહિલાઓ સાથે અયોગ્ય જાતીય સંબંધો હતા. એક અઠવાડિયા અગાઉ મોહાદીએ આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેમની સામે રાજકીય ષડયંત્ર થઈ રહ્યું છે.