નાઈરોબીઃ ટાન્ઝાનિયા અને કેન્યા વચ્ચે વ્યાપાર અને ટુરિઝમને વેગ આપવા અને આ પ્રદેશમાં વર્કર્સ મુક્તપણે હેરફેર કરી શકે તેને મંજૂરી આપતા ઈસ્ટ આફ્રિકન કોમન માર્કેટ પ્રોટોકોલના ઝડપી અમલીકરણના પ્રયાસમાં કેન્યાએ ટાન્ઝાનિયન્સ માટે વર્ક વિઝા અને પરમીટની જરૂરીયાતને રદ કરી દીધી હોવાની જાહેરાત કરી હતી.
પ્રમુખ કેન્યાટાએ જણાવ્યું કે આ પગલાંને લીધે ટાન્ઝાનિયાવાસી કોઈપણ નિયંત્રણ વગર દેશમાં હરી ફરી શકશે અને કામ કરી શકશે. જેથી વિદેશી મૂડીરોકાણ આકર્ષી શકાશે અને ટુરિઝમને વેગ મળશે. તેમણે ઉમેર્યું કે માલસામાન અને લોકોની સરળતાપૂર્વક હેરફેર દ્વારા બન્ને અર્થતંત્રને મજબૂત કરવાનો ઉદ્દેશ છે.
નાઈરોબીમાં કેન્યા અને ટાન્ઝાનિયન બિઝનેસ કોમ્યુનિટીના સંયુક્ત સત્રમાં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ નવી વિઝા નીતિની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ટાન્ઝાનિયાના પ્રમુખ સામીયા સુલુહુ પણ હાજર હતા.