નાઈરોબીઃ કેન્યાએ નિકાસકારો પર આકરી શરતો સાથે યુગાન્ડા અને ટાન્ઝાનિયા પર લગાવેલો મકાઈની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. કેન્યા કેન્સર થાય તેવા એફ્લેટોકિસન પદાર્થ સાથેની મકાઈને દેશમાં આવતી અટકાવવા માગે છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીએ એફ્લેટોક્સિન વિશે EAC - SGS ધારાધોરણોને તાકીદે બહાલી આપવાનો અને સર્ટિફિકેશનની બાબતો EACને સુપરત કરવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રાલયે જણાવ્યું કે મકાઈની આયાતમાં સંકળાયેલા તમામે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે જથ્થો આવે તેની સાથે તેમાં એફ્લેટોકિસનનું કેટલું પ્રમાણ છે તે દર્શાવતું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને ટ્રેડર્સે તેમના વેરહાઉસીસની વિગતો આપવાની રહેશે. એગ્રીકલ્ચર ચીફ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી લોરેન્સ એંગોલોએ વાંચેલા નિવેદનમાં કેન્યાએ જણાવ્યું કે આ પગલાનો હેતુ વપરાશકારોની સુરક્ષા જાળવવાનો છે અને તેમાં દેશ કોઈપણ બાંધછોડ કરશે નહીં.
એંગોલોએ જણાવ્યું કે વેરહાઉસીસની વિગતો કેન્યા મોકલવામાં આવેલી મકાઈ બાબતે ફૂડ હેન્ડલિંગની નિર્ધારિત પ્રક્રિયાનું યોગ્ય પાલન કરાયું છે કે કેમ અને તેને રસ્તા (ડામરના) પર સૂકવવામાં આવી ન હતી તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું કે ઉત્પાદન પ્રક્રિયાના પડકારો પર ધ્યાન આપીને અમે દેશવાસીઓને સલામત અન્ન આપવા પ્રયત્નશીલ છીએ તે સાથે જ અમારા ટ્રેડિંગ પાર્ટનરો પણ ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીના ધારાધોરણો પ્રમાણે સુરક્ષિત મકાઈનો વ્યાપાર કરે તેવી અપેક્ષા છે.
યુગાન્ડાથી કેન્યામાં મકાઈની આયાત કરતાં વ્યાપારીઓએ પણ બોર્ડર પોઈન્ટ્સ પર ક્લિયરન્સ મેળવે તે પહેલા જે દેશોએ મકાઈનું ઉત્પાદન કર્યું હોય તેમની પાસેથી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મેળવવાનું જરૂરી રહેશે.
અગાઉ કેન્યાના મિલરોએ યુગાન્ડા અને ટાન્ઝાનિયાની મકાઈ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેનાથી લોટના ભાવ પર ગંભીર અસર થશે.