ડોડોમાઃ ટાન્ઝાનિયાના ૬૧ વર્ષીય પ્રમુખ જહોન પોમ્બે માગુફલીનું આકસ્મિક મૃત્યુ થયું છે. ટાન્ઝાનિયાના ઉપપ્રમુખ સામિઆ સુલુહુ હસને ૧૭મી માર્ચે રાત્રે ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે હૃદય સંબંધિત બીમારીને લીધે જહોન માગુફલીનું અવસાન થયું છે. તેમણે કહ્યું, ‘મને જણાવતા દુઃખ થાય છે કે આજે સાંજે ૬ વાગે આપણે આપણા બહાદૂર નેતા, ટાન્ઝાનિયાના પ્રમુખ જહોન પોમ્બે માગુફલીને ગુમાવ્યા છે.’ તેમણે ઉમેર્યું હતું કે માગુફલીને ગઈ ૬ માર્ચે જાકાયા કીકવેતે કાર્ડિયાક ઈન્સ્ટિટ્યુટમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
દરમિયાન, જહોન માગુફલીના આકસ્મિક અવસાનને પગલે ઉપપ્રમુખ સામિઆ હસન ટાન્ઝાનિયાના નવા પ્રમુખ બનશે. ૬૧ વર્ષીય મૃદુભાષી, મુસ્લિમ મહિલા સામિઆ હસન ટાન્ઝાનિયાના અને પૂર્વ આફ્રિકામાં પ્રથમ મહિલા પ્રમુખ હશે. બંધારણ મુજબ તેઓ માગુફલીની બીજી પાંચ વર્ષની ૨૦૨૫માં પૂરી થતી ટર્મના બાકીના સમય માટે ફરજ બજાવશે.
માગુફલીના અવસાનના સમાચારની સાથે કોવિડ -૧૯ને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની શંકા સાથે અઠવાડિયાઓથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. તેઓ છેલ્લાં ૧૮ દિવસથી જાહેરમાં દેખાયા ન હતા અને બીમાર હોવાની અફવા ફેલાઈ હતી. સરકાર અફવાઓને નિયંત્રણમાં રાખવા માગતી હોવાથી આ અટકળોને લીધે ઘણાં લોકોની ધરપકડ પણ થઈ હતી. બેલ્જિયમ તડીપાર કરાયેલા ટાન્ઝાનિયાના મુખ્ય વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુએ સૂત્રોને ટાંકીને માગુફલી કોવિડ - ૧૯ની બીમારીથી ગંભીર હોવાનું જણાવ્યું હતું.
અગાઉ વિપક્ષ અલાયન્સ ફોર ચેન્જ એન્ડ ટ્રાન્સપરન્સી (ACT Wazalendo)ના નેતાએ માગુફલીના ઠેકાણાની માગણી કરતું નિવેદન જારી કર્યું હતું. પક્ષે પ્રમુખની તબિયત વિશે અફવા ફેલાવવા બદલ ધરપકડ કરાયેલા તમામ નાગરિકોને છોડી મૂકવા પણ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં ૬૧ વર્ષીય પ્રમુખને કોરોના વાઈરસનું સંક્રમણ થયું હશે અને સારવાર માટે તેમને હવાઈમાર્ગે કેન્યાની હોસ્પિટલ અને એક દિવસ પછી ભારત લઈ જવાયા હશે તેવી અટકળો અને અફવાઓ ચાલી હતી.