નાઈરોબીઃ કેન્યા સરકારે આગામી બે અઠવાડિયામાં વિશાળ ડેડાબ અને કાકુમા શરણાર્થી કેમ્પ બંધ કરવા આદેશ આપ્યો હતો. આ બન્ને કેમ્પમાં કુલ ૫૦૦,૦૦૦ લોકો આશ્રય લઈ રહ્યા છે.
સરકાર, આ કેમ્પમાં રહેતા કેટલાંક શરણાર્થીઓથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોવાનું જણાવે છે. તેમાં સોમાલિયા સ્થિત અલ – શાદાબ ઉગ્રવાદી જૂથના સાથીઓ સાથે સંકળાયેલા ભૂતકાળના આતંકી હુમલાનો ઉલ્લેખ કરાયો હતો.
૨૩ માર્ચે સરકારે યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ને આ કેમ્પ બંધ કરાવવા માટે ૧૪ દિવસની મુદત આપી હતી. અન્યથા આ શરણાર્થીઓને સોમાલિયાની સરહદે ખસેડવાની સરકારની યોજના છે. ઈન્ટિરિયર કેબિનેટ સેક્રેટરી ડો. ફ્રેડ મેટિઆંગીએ કેન્યામાં UNHCRના પ્રતિનિધિ ફાતિયા અબ્દલ્લાને આ અંગે જાણ કરી હતી.
હારામ્બી હાઉસ ખાતે બોલાવેલી બેઠકમાં ડો. મેટિઆંગીએ UNHCRના પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે કેમ્પ બંધ કરવાના મુદ્દે વાટાઘાટોને કોઈ અવકાશ નથી. કેન્યાની આંતરરાષ્ટ્રીય જવાબદારી અને સ્થાનિક ફરજ વચ્ચે સંતુલન રાખવું જ પડે. કેન્યાવાસીઓનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્યા ૧૯૯૦ના દાયકાની શરૂઆતથી ચાલતા આ કેમ્પનો બોજ વધુ સમય ઉઠાવી શકે તેમ નથી. સોમાલિયામાં વર્ગવિગ્રહ શરૂ થયો ત્યારથી આ કેમ્પ ચાલે છે. ઓછા સંસાધનો ઉપરાંત, આ કેમ્પમાંથી ચાલતા આતંકી હુમલાને લીધે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે.