કમ્પાલાઃ જંગી રકમની લોન મેળવવા માટે બિઝનેસમેન ડો. સુધીર રૂપારેલિયાની નકલી સહી કરતાં ઝડપાઈ ગયેલા ત્રણ જમીન દલાલોને જેલ થવાની શક્યતા છે. રોનાલ્ડ ન્દ્યારીબા અને સામ મુબીરુ સહિતના જમીન દલાલોએ ડો. સુધીરના વકીલ નંગવાલા એન્ડ રેઝિદા એડવોકેટ્સ દ્વારા કથિત રીતે તૈયાર કરાયેલા નકલી લીગલ ડોક્યુમેન્ટ પર ડો. સુધીરની બનાવટી સહી કરી હતી.
શકમંદોએ લોન મેળવવા માટે મનીલેન્ડર્સને ‘પૂરાવા’ તરીકે ડોક્યુમેન્ટ આપ્યો હતો, જેમાં તેમને શંકાસ્પદ સોદામાં ૧.૨ મિલિયન ડોલર મળવાના હતા તેવો ઉલ્લેખ હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ એક પક્ષકાર તરીકે સુધીર રૂપારેલિયા અને તેમની મીરા ઈન્વેસ્ટમેન્ટ્સ અને જોઈસ મેયર મિનિસ્ટ્રીઝ અને ક્રિશ્ચિયન લાઈફ મિનિસ્ટ્રીઝ સાથે ૬૦ મિલિયન ડોલરથી વધુ રકમના પ્રોપર્ટી ડીલમાં બ્રોકર તરીકે હતા. ડોક્યુમેન્ટમાં જણાવાયું હતું કે એજન્ટ તેમની જવાબદારી પૂરી કરે એટલે તેઓ ૧.૨૦ મિલિયન ડોલર અથવા ખરીદ કિંમતના ૨ ટકા રકમ જેટલી રકમ મેળવવાને પાત્ર થશે.
ડો. સુધીરે જણાવ્યું હતું, ‘ આ બનાવટી ટ્રાન્ઝેક્શન છે. તેમણે કમિશન તરીકે ૧ મિલિયન ડોલર મળવાના છે તેમ દર્શાવવા મારી નકલી સહી કરી છે. તેઓ આ નકલી ડોક્યુમેન્ટની સામે ઉછીના નાણાં લેવા માટે મનીલેન્ડર પાસે ગયા હતા. ડો. રૂપારેલિયાની લો ફર્મે જણાવ્યું કે તેમણે અમારું દસ વર્ષ અગાઉનું સરનામુ મૂક્યું છે અને રેઝિદાનો સ્પેલિંગ પણ બરાબર લખ્યો નથી અને જે બાબતો ન હતી તે પણ સ્ટેમ્પમાં ઉમેરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ જીંજા રોડ પોલીસ સ્ટેશન ખાતેના જમીનોના મામલાના Shs૫૦ મિલિયનના કેસમાં ન્દ્યારીબા સંડોવાયેલો છે.