કમ્પાલાઃ યુગાન્ડાના સૌથી ધનવાન વ્યક્તિ ડો. સુધીર રૂપારેલિયા ફરીથી ઈન્ડિયન એફિલિએશન યુગાન્ડાના બોર્ડ મેમ્બર તરીકે ચૂંટાયા હતા. એફિલિએશન દ્વારા તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સાત સભ્યોને ચૂંટવામાં આવતા ડો. રૂપારેલિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ચૂંટાયેલા સભ્યોમાં ડો. સુધીર રૂપારેલિયા, મુન્નાંગી સીતા, ગૌતમ દાસ, ધર્મેશ પટેલ, અશ્વિન કુમાર પટેલ, ચાકો બાબુ અને કોડુવાયુર પરસુરામનનો સમાવેશ થાય છે. ડો. રૂપારેલિયા ૨૦૧૯માં પહેલી વખત બોર્ડ પર ચૂંટાયા હતા.
ઈન્ડિયન એફિલિએશન યુગાન્ડાએ ૧૦૦ કરતાં વધુ વર્ષથી યુગાન્ડાની ભારતીય કોમ્યુનિટીઝનું નેતૃત્વ સંભાળ્યું છે.
૧૯૭૨માં પ્રમુખ ઈદી અમીને યુગાન્ડાવાસીઓ કરતાં ભારતીયો વધુ આર્થિક લાભ મેળવતા હોવાનો આરોપ લગાવીને યુગાન્ડામાંથી ભારતીયોને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. તેનાથી દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું અને ફેક્ટરીઓ તેમજ વિવિધ કંપનીઓ પડી ભાંગી કારણ કે આ કંપનીઓનું સંચાલન ગરીબ યુગાન્ડન મેનેજર્સના હાથમાં સોંપાયું હતું.
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ભારતીય કોમ્યુનિટીઝ જ યુગાન્ડા પાછી ફરી અને અર્થતંત્રને ગતિ આપવાનો પ્રયાસ કર્યો.
૨૭,૦૦૦થી વધુ ભારતીયો યુગાન્ડામાં તદ્દન અલગ કોમ્યુનિટીઝ સાથે એકબીજાની સેવા કરીને અને યુગાન્ડાના વિકાસ માટે કાર્યરત રહીને શાંતિપૂર્વક જીવે છે.
યુગાન્ડામાં ભારતીયોની સંખ્યા કુલ વસતિમાં ઓછી છે. પરંતુ, સત્તાવાળાઓને જે કુલ આવક થાય છે તેમાં ભારતીયોનો હિસ્સો અંદાજે ૬૫ ટકા હોય છે.