જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના પીડિતોના મૃતદેહના અંતિમસંસ્કાર માટે હિન્દુ પૂજારીઓ મોટી રકમ વસુલી રહ્યા હોવાની ફરિયાદ હિંદુ સંગઠનો દ્વારા જ કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મ એસોસિએશન ઓફ સાઉથ આફ્રિકા મેનેજરના સભ્ય પ્રદીપ રામલાલે જણાવ્યું કે પૂજારીઓ કોરોના પીડિતના મૃતદેહના અંતિમ સંસ્કારના ૫૭ થી ૯૬ પાઉન્ડ વસૂલે છે.
તેમણે ઉમેર્યું કે અંતિમ સંસ્કારની વિધી કરી આપવા આટલી મોટી રકમ વસૂલવી યોગ્ય નથી, આપણા ધર્મમાં આવું નથી. અંતિમસંસ્કારમાં મદદ કરવી તે આપણી સેવા છે. એવામાં પરિવારજનો દાન આપવા ઈચ્છતા હોય તો તે સ્વીકારી શકાય, પણ કોઈ પૂજારીએ આવી વિધીના ચાર્જ ન લેવાના હોય.
તેમણે કહ્યું કે અનેક હિંદુ પરિવાર તરફથી તેમને ફરિયાદો મળી રહી છે. જેમાં તેમનું કહેવું છે કે પૂજારીઓ કોરોના દર્દીના મૃતદેહના અંતિમસંસ્કાર માટે ઘણી મોટી રકમ વસૂલે છે.
જોહાનિસબર્ગમાં હાલ કોરોનાને કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે અને સેકન્ડવેવમાં તેની સંખ્યા વધવા લાગી છે. જેને પગલે અંતિમ સંસ્કાર માટે ડબલ શિફ્ટ કરવી પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતદેહોની સંખ્યા વધી જતા હવે પૂજારીઓ મોટી રકમ વસૂલી રહ્યા છે. પ્રદીપના જણાવ્યા અનુસાર ઝૂમ અને વોટ્સએપની મદદથી પણ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જ્યારે કેટલાક હિંદુ સંગઠનો કોઈપણ ચાર્જ લીધા વગર અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરતા પૂજારીઓની યાદી પણ ફેસબૂક પર મૂકી રહ્યા છે.