મોગાદીશુઃ ૩જી એપ્રિલે સોમાલિયાના બે લશ્કરી મથક પર પ્રચંડ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. સોમાલી નેશનલ આર્મીના જનરલ ઓડાવા યુસુફ રાઘેહેમીડિયાએ બે હુમલા થયા હોવાને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું કે હુમલાખોરોના પક્ષે ‘ભારે જાનહાનિ’ થઈ હતી. સરકારી ઈન્ફન્ટ્રી ફોર્સના કમાન્ડર જનરલ મોહમદ તાહલીલ બીહીએ જણાવ્યું કે નવ સૈનિક માર્યા ગયા હતા જ્યારે ૧૧ સૈનિક ઘાયલ થયા હતા. તેમણ ઉમેર્યું કે સેનાએ એક સ્થળે ૬૦ અને બીજા સ્થળે ૧૭ આતંકવાદીઓને માર્યા હતા. અલ – શબાબ આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
તે વિસ્તારના રહીશોએ જણાવ્યું કે પાટનગર મોગાદીશુની દક્ષિણે ૭૫ કિ.મી.ના અંતરે આવેલા બારિરે અને અવધેગ્લેહ ગામે આ હુમલા થયા હતા.
ભાગી ગયેલા હુમલાખોરોનો સેના દ્વારા હજુ પીછો કરાઈ રહ્યો હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે તેઓ તેમના માર્યા ગયેલા કમાન્ડરોના મૃતદેહો પણ છોડી ગયા છે. અલ – શબાબના પ્રવક્તા શેખ અબ્દુલઅઝીઝ અલ – મુસાબે જણાવ્યું કે તેમના જૂથે ૪૭ સરકારી લડાયકોને મારી નાખ્યા હતા. આતંકવાદીઓના રેડિયો ‘એન્ડાલુસ’ પર તેમણે નિવેદનમાં જણાવ્યું કે સુસાઈડ કાર બોંબ સાથે શ્રેણીબદ્ધ હુમલા શરૂ કરાયા હતા.
પ્રમુખ મોહમદ અબ્દુલ્લાહી મોહમદ પર સત્તા છોડી દેવા માટે દબાણ છે ત્યારે સોમાલિયાની હાલની રાજકીય કટોકટીને લીધે અલ-કાયદા સાથે સંકળાયેલા જૂથોનો જુસ્સો વધી જશે તેવી દહેશત છે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં વિલંબ થયો છે.
મોગાદીશુમાં ૩જી એપ્રિલે જ પ્રમુખ સહિત સંઘીય સરકારના નેતાઓ અને પાંચ સંઘીય દેશોના વડાઓ વચ્ચે મંત્રણા શરૂ થઈ હતી.