કમ્પાલાઃ દુનિયાભરમાં વિવિધ યુગાન્ડા મિશનમાં કાર્યરત સ્ટાફની સંખ્યા ઘટાડાવા વિદેશી બાબતોનું મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. સરકાર આ મિશનોના સંચાલન માટે ઘણાં બિલિયન્સ શિલિંગ્સના બીલો મૂકે છે. ખર્ચ ઘટાડવા માટે વિદેશની યુગાન્ડન એમ્બેસીસમાં કાર્યરત સ્ટાફની સંખ્યાના ફેરમૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવા મંત્રાલય વિચારી રહ્યું છે. કેટલીક એમ્બેસી વ્યૂહાત્મક હોવાથી તે કાર્યરત રાખવી જરૂરી છે.
હાલ યુગાન્ડાના ૩૫ મિશન છે જેમાં છથી દસ કર્મચારીઓ હોય છે. તેમાં એમ્બેસેડર, ડેપ્યૂટી એમ્બેસેડર, ડિફેન્સ અટેચી., ડેપ્યૂટી ડિફેન્સ અટેચી, ફર્સ્ટ સેક્રેટરી પોલિટિકલ અફેર્સ, સેકન્ડ સેક્રેટરી કોમર્શિયલ એન્ડ ડિપ્લોમસી, સેકન્ડ સેક્રેટરી સોશિયલ એન્ડ હ્યુમેનિટેરિયન અફેર્સ, થર્ડ સેક્રેટરી, ફાઈનાન્સિયલ અટેચી, કાઉન્સેલર ડાયસ્પોરા એન્ડ કોન્સ્યુલર સર્વિસિસનો સમાવેશ થાય છે. અન્યમાં એમ્બેસેડર અને અન્યોની મદદ માટે એડમિનિસ્ટ્રેટિવ અટેચી, ડ્રાઈવર્સ અને હાઉસ હેલ્પ્સનો સમાવેશ થાય છે.
સ્ટેટ મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ હેનરી ઓકેલો ઓર્યેમે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ અંદાજ રજૂ કરતી વખતે આ માહિતી ફોરેન અફેર્સ કમિટીને આપી હતી. મિનિસ્ટરે જણાવ્યું હતું કે દરખાસ્તનો હેતુ ખર્ચમાં કાપ માટે એમ્બેસી સ્ટાફ ઘટાડવાનો છે. તેઓ વિયેતનામ અથવા ક્યૂબાનું મોડેલ અપનાવવા માગે છે. તેઓ એમ્બેસી અને કોન્સ્યુલેટમાં માત્ર બે અથવા ત્રણ સ્ટાફ રાખે છે. આ મોડેલ અપનાવાય તો સરકારના ઘણાં નાણાં બચશે. વિયેતનામ મોડેલમાં માત્ર એમ્બેસેડર અને ફર્સ્ટ સેક્રેટરી નીમવામાં આવે છે. બાકીનો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે.