કમ્પાલાઃ યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈનની ૧૫મી માર્ચે ફરીથી ધરપકડ કરાઈ હતી. પરંતુ, ધરપકડના થોડા કલાકો પછી તેમને છોડી મૂકાયા હતા. જાન્યુઆરીની પ્રમુખપદની ચૂંટણીને પગલે તેમના ઘણાં સમર્થકોની ધરપકડના વિરોધ દેખાવોનું તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તેમને અટકમાં લેવાયા હતા. કમ્પાલાના જાહેર ચાર રસ્તા નજીકથી તેમની ધરપકડ કરાઈ હતી. તે પછી તેમને કમ્પાલા બહાર આવેલા તેમના ઘરે મૂકી દેવાયા હતા. વાઈને ટ્વિટર પર જણાવ્યું કે તેમના ઘરને પોલીસ અને મિલિટરીએ ઘેરી લીધું છે. યુગાન્ડાવાસીઓને નિઃશસ્ત્ર અને શાંતિપૂર્ણ વિરોધ દેખાવો કરવાનો અધિકાર છે. મુસેવેનીએ લોકોને ત્રાસ આપવાનું બંધ કરી દેવું જ જોઈએ. શાંતિપ્રિય યુગાન્ડાવાસીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરવું તે જનરલ મુસેવેની માટે ગુના જેવું છે.