કમ્પાલાઃ યુગાન્ડા અને કેન્યા સરકારના અધિકારીઓ બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાના ઉપાયો વિશે ચર્ચા કરવા માટે વિદેશ બાબતોના મંત્રાલયના મુખ્યમથકે મળ્યા હતા. બન્ને દેશ વચ્ચે કોમર્શિયલ અને ઈકોનોમિક રાજકીય સંબંધ વધારવાના મુખ્ય ધ્યેય સાથે વિદેશ બાબતોના મંત્રાલયે અગાઉ પણ કેન્યા સરકારને યુગાન્ડાના માલસામાનની કેન્યામાં નિકાસને વધારવા માટે રાહત સુનિશ્ચિત કરવા જોઈન્ટ મિનિસ્ટરિયલ કમિશનના માળખામાં સામેલ કરી હતી.
વ્યાપાર, ઉદ્યોગ અને સહકાર મંત્રાલય વતી બોલતાં એક્ટીંગ પરમેનન્ટ સેક્રેટરી મિસ ગ્રેસ એડોંગે યુગાન્ડામાં કેન્યાના પ્રતિનિધિમંડળને આવકાર્યું હતું અને જણાવ્યું કે યુગાન્ડા અને કેન્યા વચ્ચે વ્યાપારની સમસ્યાઓને ઉકેલવા માટેના આ પ્રયાસો ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીમાં સહકાર અને એકતા વધારવાના ઉદ્દેશ સાથેના છે. તેમણે ઉમેર્યું કે આ અચાનક બન્યું હોય તેમ નથી. આ બન્ને દેશના રાજકીય અગ્રણીઓની દૂરંદેશી અને ઝીણવટપૂર્વકની ગણતરીની પ્રક્રિયા છે.
મિસ એડોંગે વધુમાં જણાવ્યું કે એકતા અને સહકારના લાભો ઘણાં છે. તેમણે ઉમેર્યું કે યુગાન્ડા અને કેન્યા વચ્ચેનો વ્યાપાર ૧૯૯૯ માં ૧૬૮ મિલિયન ડોલરનો હતો તે ૨૦૨૦ માં ૬૪૪ ટકા વધીને ૧.૨૪૭ બિલિયન ડોલર થયો છે. કોવિડ – ૧૯ પહેલા ૨૦૧૯ માં કુલ વ્યાપાર ૧.૩૨૫ બિલિયન ડોલર થયો હતો.
કેન્યાના ઉદ્યોગ, વ્યાપાર અને એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટમાં વ્યાપાર, એન્ટરપ્રાઈઝ એન્ડ ડેવલપમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી જહોન્સન વેરુએ તેમને તથા પ્રતિનિધિમંડળને અપાયેલા આવકાર બદલ યુગાન્ડાનો આભાર માન્યો હતો.