લાગોસઃ વિરોધદેખાવો અટકાવી દેવા પ્રેસિડેન્ટ ટિનુબુના અનુરોધને અવગણી કેન્યાના યુવાનોના પગલે નાઈજિરિયન નાગરિકો આર્થિક મુશ્કેલીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા સોમવારે લાગોસની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. આફ્રિકાના સૌથી વસ્તી ધરાવતા અને વિશ્વમાં સૌથી મોટા ઓઈલ ઉત્પાદક દેશમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારથી નાગરિકો ત્રાસી ગયા છે. સરકારી હોદ્દેદારોની તગડી કમાણીથી વિપરીત સામાન્ય લોકો ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત છે.
નાઈજિરિયામાં સત્તાધારીઓ લોકોની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ ગયા હોવાથી અસંતોષ વ્યાપ્યો છે. દેખાવકારોના જણાવ્યા સરકાર દ્વારા સંવાદનો મુદ્દો ઉઠાવાયો હતો પરંતુ, સરકાર ભૂલી જાય છે કે આ દેખાવો અને વિરોધ જ કામકાજ કરતા લોકસમૂહ સાથેનો સંવાદ છે.
પ્રેસિડેન્ટ ટિનુબુએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં સરકારી નાણા બચાવતા અને ઘટી રહેલા વિદેશી રોકાણોને આકર્ષવા કરાયેલા સુધારાઓનો બચાવ કર્યો હતો. જોકે, તેની તત્કળ અસરરૂપે લોકોની હાડમારીમાં વધારો થયો છે. સરકારી સુધારાઓમાં દાયકાઓથી અપાતી ખર્ચાળ ગેસ સબસિડીઓ બંધ કરવા અને ચલણના અવમૂલ્યનનો સમાવેશ થયો છે. આના પરિણામે, નાઈજિરિયામાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે.