લાગોસ, લંડનઃ યુકેની ટીસ્સાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઈજિરિયાના 60 વિદ્યાર્થીઓને સમયસર ટ્યુશન ફી નહિ ચૂકવવાના કારણોસર યુકે છોડવા આદેશ કરાયાના પગલે વિવાદ સર્જાયો છે. લંડનસ્થિત નાઈજિરિયન હાઈ કમિશનના પ્રતિનિધિઓ યુનિવર્સિટીના સત્તાવાળાઓને મળશે. નાઈજિરિયામાં કરન્સીની કટોકટીના લીધે વિદ્યાર્થીઓની બચતો ઘટી જવાથી ફી ચૂકવી શકે તેમ નથી.
નાઈજિરિયાના વિદ્યાર્થીઓને ટીસ્સાઈડ યુનિવર્સિટીએ તેમનો અભ્યાસક્રમ છોડી દેવા અને યુકે વિઝા એન્ડ ઈમિગ્રેશન વિભાગ દ્વારા 60 દિવસમાં દેશ છોડવાનો આદેશ કરાયાના પગલે તેઓમાં માનસિક ભય વ્યાપ્યો છે અને કેટલાક તો કિસ્સામાં આત્મહત્યા કરી લે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામે, બંને દેશો વચ્ચે ગંભીર રાજદ્વારી વિવાદ ઉભો થયો છે. યુનિવર્સિટીએ માફી માગ્યા અને નવી વ્યવસ્થા કર્યા પછી પણ 21 વિદ્યાર્થી માટે સમસ્યા યથાવત રહી છે. બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે નાઈજિરિયા મોટું બજાર બની રહ્યું છે. યુકેની સંસ્થાઓમાં વર્ષ 2021-22માં 44,000 વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા. નવી પરિસ્થિતિમાં હવે વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં અભ્યાસ કરવા જઈ શકે છે.
નાઈજિરિયન સ્ટુડન્ટ્સ યુનિયન યુકે દ્વારા ટીસ્સાઈડ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્યની સંભાળ નહિ લીધાનો આક્ષેપ લગાવાયો છે. વિદ્યાર્થીઓ સાત હપ્તામાં ફી ચૂકવવાની હોવાનું માનતા હતા જ્યારે તેમને માત્ર ત્રણ હપ્તામાં જ ફી ચૂકવવા જણાવાયું હતું.
યુનિવર્સિટી ઓફ સસેક્સમાં પણ નાઈજિરિયા, ઈરાન અને અન્ય દેશોના આશરે 1000 વિદ્યાર્થી પણ નાણાકીય મુશ્કેલીથી અસરગ્રસ્ત છે તેમને પણ બાકીની ફીનું દેવું નહિ ચૂકવાય તો ગ્રેજ્યુએટ બની નહિ શકે અથવા આગામી વર્ષે પુનઃ રજિસ્ટ્રેશન કરાવી નહિ શકે તેવી ચેતવણી આપી દેવાઈ છે.