લાગોસઃ નાઈજીરીયાની ૧૭ વર્ષીય હાઈ સ્કૂલ ગ્રેજ્યુએટ વિક્ટરી યિન્કા- બેન્જોને ભણવા માટે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામની અમેરિકા - કેનેડાની ૫ મિલિયન ડોલર કરતાં વધુની ૧૯ સ્કોલરશિપની ઓફર મળી છે. વિક્ટરી કોમ્પ્યુટેશનલ બાયોલોજીનો અભ્યાસ કરવા માગે છે. વિક્ટરીએ CNNને જણાવ્યું હતું કે આ બધું મને હજુ પણ ખૂબ અકલ્પનીય લાગે છે. કોઈ સ્કૂલ મને એડમિશન નહિ આપે તેમ વિચારીને મેં ઘણી સ્કૂલોમાં એપ્લાય કર્યું હતું.
નાઈજીરીયન પેરન્ટ્સ, યુનિવર્સિટી ઓફ લાગોસના સીનિયર લેક્ચરર ચીકા યિન્કા બેન્જો અને પ્રાઈવેટ સેક્ટર પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય ચેઈન એક્ઝિક્યુટિવ એદેયિન્કા બેન્જોને ત્યાં જન્મેલી વિક્ટરીને આઈવી લીગ સ્કૂલ્સ, યેલ કોલેજ, પ્રિન્સટન યુનિવર્સિટી, હાર્વર્ડ કોલેજ અને બ્રાઉન યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપની ઓફર કરવામાં આવી હતી.
વિક્ટરીને અપાયેલી અન્ય સ્કોલરશિપ ઓફરમાં માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જહોન હોપકિન્સ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વર્જિનિયાનો સમાવેશ થાય છે.
કેનેડામાં વિક્ટરીને યુનિવર્સિટી ઓફ ટોરંટો દ્વારા લેસ્ટર બી પીઅરસન સ્કોલરશિપ અને યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા દ્વારા ધ કેરન મેકલીન ઇન્ટરનેશનલ લીડર ઓમ ટુમોરો સ્કોલરશિપની ઓફર કરાઈ હતી. વિક્ટરીએ ઉમેર્યું કે એડમિશન પ્રક્રિયા ખૂબ અઘરી હોય છે. તેઓ હંમેશા શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ઉમેદવાર હોય તેની પસંદગી કરે છે. તમે કલ્પના કરી શકો કે દરરોજ મારે મારી જાતને યાદ અપાવવું પડતું હતું કે ખરેખર મને આ સ્કૂલોમાં પ્રવેશ મળ્યો છે. હકીકતમાં આ અકલ્પનીય વાત છે.
વિક્ટરી હજુ કઈ સ્કૂલ પસંદ કરવી તેના વિકલ્પો ચકાસી રહી છે. વિક્ટરીની માતા ચીકાએ જણાવ્યું કે તેમની પુત્રીની વાત અન્ય યુવા નાઈજીરીયન્સને પ્રેરણા પૂરી પાડશે.
હાઈસ્કૂલમાં પોતાના સમય દરમિયાન સિનિયર પરફેક્ટ રહેલી વિક્ટરીએ વેસ્ટ આફ્રિકન સ્કૂલ સર્ટીફીકેટ એક્ઝામિનેશનમાં As મેળવ્યું તે પછી ૨૦૨૦થી તેનું રાષ્ટ્રીય મહત્વ વધી ગયું. હતું. થોડા મહિના અગાઉ નાઇજીરીયાની આ ટીનેજરને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ ઇન્ટરનેશનલ એક્ઝામિનેશન દ્વારા બીજી ભાષા (સ્પીકીંગ એન્ડોર્સમેન્ટ) તરીકે ઇંગ્લિશમાં ટોપ ઈન ધ વર્લ્ડ જાહેર કરવામાં આવી હતી. વિક્ટરીએ કેમ્બ્રીજની IGCSE પરીક્ષા પણ આપી હતી અને તેણે જે છ વિષયોની પરીક્ષા આપી હતી તે તમામમાં તેણે A* સ્ટાર મેળવ્યો હતો. તેણે CNNને જણાવ્યું હતું કે તેને આ નોંધપાત્ર સિદ્ધિઓ સખત પરિશ્રમને કારણે મળી છે.