કમ્પાલાઃ દેશના વિરોધપક્ષના નેતાનું કવરેજ કરી રહેલા પત્રકારોને ક્રૂરતાથી માર મારવા બદલ મિલિટરી કોર્ટે યુગાન્ડાના છ સૈનિકોને ત્રણ મહિનાની જેલની સજા કરી હતી. વિપક્ષના નેતા બોબી વાઈન માનવ અધિકારના ભંગ બદલ કમ્પાલામાં યુનાઈટેડ નેશન્સ (યુએન) સમક્ષ પિટિશન પાઈલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેનું સાત પત્રકારો કવરેજ કરતા હતા ત્યારે તેમને સુરક્ષા દળોએ માર્યા હતા.
યુગાન્ડા એડિટર્સ ગીલ્ડના જમાવ્યા મુજબ માથામાં ભારે ઈજાને કારણે એક પત્રકારને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિલિટરી પોલીસ યુએનની ઓફિસથી દૂર બોબી વાઈનના સમર્થકોનો પીછો કરી રહી હતી ત્યારે આ પત્રકારો ઘાયલ થયા હતા. આર્મીના નિવેદનમાં જણાવાયું હતું કે કોર્ટ માર્શલની ડિસિપ્લીનરી કમિટીએ આ અંગે તપાસ બાદ નિર્ણય લીધો હતો.