કિગલીઃ હોટલ રવાન્ડા ફિલ્મ માટે પ્રેરણા પૂરી પાડનારા ૬૬ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયા સામે આતંકવાદના આરોપસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રવાન્ડામાં ૧૯૯૪ માં થયેલા નરસંહારમાં ૧,૦૦૦ વંશીય તુત્સીસને બચાવવા બદલ તેની પ્રશંસા થઈ હતી. તે લાંબા સમયથી સત્તા પર રહેલા પ્રમુખ કાગામેના ટીકાકાર છે અને આતંકવાદ, હત્યામાં સામેલગીરી અને આર્મ્ડ ગ્રૂપની રચના કરવા અથવા તેમાં જોડાવા સહિતના ૧૨ આરોપોનો સામનો કરે છે.
તેમના પરિવારે જણાવ્યું હતું કે વાજબી અદાલતી કાર્યવાહીની કોઈ શક્યતા નથી અને નાદુરસ્ત તબિયતને લીધે જેલમાં જ તેમનું મૃત્યુ થશે. તેઓ ગુનેગાર જાહેર થાય તો કેટલો સમય જેલમાં રહેશે તે સ્પષ્ટ નથી.
ગયા મહિને હૃદયની બીમારી માટેની તેમની દવાઓ અટકાવી દેવાઈ હતી. તેમની કથળતી તબિયત, ઈન્ડિપેન્ડન્ટ લીગલ ટીમનો મર્યાદિત સંપર્ક અને તેમની ધરપકડના સંજોગો આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બન્યા છે.
તે બેલ્જિયમ રાષ્ટ્રીયતા ધરાવે છે અને અમેરિકી રહીશ છે. ૨૦૦૫માં તેમને યુએસ પ્રેસિડેન્શીયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરાયો હતો.