ન્દજામેનાઃ દેશના ઉત્તર ભાગમાં વીકેન્ડમાં બળવાખોરો સાથે થયેલી અથડામણમાં ઈજા પામેલા ચાડના પ્રમુખ ઈદરીસ ડેબીનું મૃત્યુ થયું હોવાનું આર્મી દ્વારા જણાવાયું હતું.ચૂંટણીના પ્રાથમિક પરિણામોમાં તેઓ છઠ્ઠી વખત વિજેતા બનશે તેવો અંદાજ મૂકાયો તેના એક દિવસ પછી આ જાહેરાત કરાઈ હતી.
સરકાર અને સંસદ ભંગ કરી દેવાઈ છે. કરફ્યુ લાદી દેવાયો છે અને બોર્ડરો બંધ કરી દેવાઈ છે. ડેબીના૩૭ વર્ષીય ફોર સ્ટાર જનરલ પુત્ર માહામત ઈદરીસ ડેબીના નેતૃત્વ હેઠળની મિલિટરી કાઉન્સિલ આગામી ૧૮ મહિના માટે શાસન કરશે.પરંતુ, તે પછી મુક્ત અને લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજાશે.
આર્મી જનરલે સરકારી ટીવી પર જણાવ્યું હતું કે યુદ્ધભૂમિ પર સાર્વભૌમ દેશની રક્ષા કરતા તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
પોતાને Fact (the Front for Change and Concord in Chad) તરીકે ઓળખાવનારા બળવાખોરોના જૂથ સાથે લડી રહેલા સૈનિકોની મુલાકાતે તેઓ આ વીકેન્ડમાં ન્દજામેનાથી સેંકડો કિલોમીટર દૂર યુદ્ધ મોરચે ગયા હતા.
૬૮ વર્ષીય ડેબી ત્રણ દાયકા કરતા વધુ સમય સત્તા પર રહ્યા હતા અને તેઓ આફ્રિકાના સૌથી લાંબા ગાળા માટે સત્તા સંભાળનારા શાસકો પૈકી એક હતા.
તેઓ આર્મી ઓફિસર હતા.૧૯૯૦ માં તેઓ સશસ્ત્ર બળવા દ્વારા સતાત પર આવ્યા હતા.