કમ્પાલાઃ રિમાન્ડ પર લગભગ પાંચ મહિના વીતાવ્યા પછી યુગાન્ડાના પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈનના ૩૦માંથી ૧૮ સમર્થકોને કમ્પાલાની જનરલ કોર્ટ માર્શલ દ્વારા ૨૫ મેએ જામીન પર છોડવામાં આવ્યા હતા.
તેમને છોડતાં કોર્ટના ચેરમેન લેફ્ટનન્ટ જનરલ એન્ડ્રયુ ગટ્ટીએ જણાવ્યું કે સરકારી પ્રોસિક્યુટરે તેમના જામીનનો વાંધો ન ઉઠાવતા તેમને તેમની અરજીમાં મેરિટ જણાઈ હતી. તેઓ ત્રીજા પ્રયાસે જામીન મેળવવામાં સફળ થયા હતા. અરજીમાં બીમારોએ જેલ બહાર સારવારની જરૂર હોવાનું જણાવ્યું હતું.
તેમને કોર્ટની પરવાનગી સિવાય કમ્પાલા અને વાક્સિયો ડિસ્ટ્રિકટ ન છોડવા સૂચના અપાઈ હતી. વધુમાં, તેમણે દર બે અઠવાડિેયે કોર્ટ સમક્ષ હાજરી નોંધાવવી પડશે.
જામીન પર છૂટનાર દરેકને Sh ૨૦ મિલિયનના અને તેમના સ્યોરિટીને Sh ૫૦ મિલિયનના બોન્ડ જમા કરાવવા જણાવાયું હતું. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તેમની ધરપકડ થઈ હતી.