અબુજાઃ ઈટાલીની કોર્ટે તાજેતરમાં ઓઈલ ઉદ્યોગના સૌથી મોટા ભ્રષ્ટાચારના કૌભાંડમાં Eni અને Shell એનર્જી ગ્રૂપને નાઈજીરીયામાં ઓઈલ એક્સ્પ્લોરેશન ડીલમાં ૧.૧ બિલિયન ડોલરના ભ્રષ્ટાચારના આરોપોમાંથી નિર્દોષ ઠેરવ્યા હતા.
લાંબા સમયથી ચાલતો આ કેસ ૨૦૧૧માં નાઈજીરીયામાં નવ બિલિયન બેરલ ક્રૂડના ઓફશોર ઓઈલફીલ્ડની Eni અને Shell દ્વારા ખરીદીને લગતો છે. ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો હતો કે આ કંપનીઓએ ઓઈલફીલ્ડ મેળવવા માટે લાંચ આપી હતી. નાઈજીરીયાના ભૂતપૂર્વ ઓઈલ મિનિસ્ટર ડેન એટેટની માલિકીનું ઓઈલફીલ્ડ ખરીદવા માટે ઓપીએલ ૨૪૫ પર લાઈસન્સ મેળવવા તેમણે ૧.૩ બિલિયન ડોલર ચૂકવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે ખરીદ કિંમતના ૧.૧ બિલિયન ડોલર લાંચ હતી જે વચેટિયા અને એટેટ સહિત રાજકારણીઓને ચૂકવાઈ હતી.