લિલોન્ગ્વેઃ લશ્કરી વિમાન તૂટી પડવાના અકસ્માતમાં માર્યા ગયેલા સાઉથ ઈસ્ટ આફ્રિકન દેશ મલાવીના વાઈસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવવાની જાહેરાત કરાઈ છે. જોકે, ફ્યુરલની તારીખ જાહેર કરાઈ નથી. પ્રેસિડેન્ટ લાઝારસ ચાકવેરાએ 11 જૂને વિમાનનો કાટમાળ મળી આવ્યો ત્યારે જ 21 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય શોકના ગાળામાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ લહેરાવાશે.
સરકારે જણાવ્યું હતું કે વિમાન તૂટી પડવા સાથે વાઈસ પ્રેસિડેન્ટ ચિલિમા, પૂર્વ પ્રેસિડેન્ટ બાકિલી મુલુઝીના પૂર્વ પત્ની ફર્સ્ટ લેડી શાનિલ ઝિમ્બિરી, છ પેસેન્જર અને ત્રણ મિલિટરી ક્રુ મેમ્બરના મોત નીપજ્યા હતા. વાઈસ પ્રેસિડેન્ટ ચિલિમા પૂર્વ સરકારી મિનિસ્ટરના ફ્યુનરલમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું. 24 કલાકથી વધુ સમયની શોધખોળ પછી વિમાનનો કાટમાળ મળી શક્યો હતો.