કમ્પાલાઃ માધવાણી ગ્રૂપના કેટલાંક વેરહાઉસીસ આગમાં બળીને ખાક થઈ જતાં જોઈન્ટ મેડિકલ સ્ટોર્સ – JMSને Shs૭ બિલિયનનું નુક્સાન થયું છે. ૯મી એપ્રિલે ફિફ્થ સ્ટ્રીટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા માધવાણી ગ્રૂપ ઓફ કંપનીઝની માલિકીના વેરહાઉસીસ નાશ પામ્યા હતા. નજીકના વેરહાઉસમાં કેટલાંક લોકો વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા ત્યાંથી આગ શરૂ થઈ હોવાનું મનાય છે.
JMSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીલ્દર્દ બાગુમાએ જણાવ્યું હતું કે આઈસીયુ બેડ્સ અને મેડિસિન સહિતના સાધનો આગમાં નાશ પામ્યા હતા. તેમના કહેવા મુજબ નુક્સાનનો ચોક્કસ આંક જાણી શકાયો નથી. પરંતુ, આ સાધનોનો આંક Shs૭ બિલિયન સુધીનો હોઈ શકે. ડિરેક્ટર ઓફ ફાયર પ્રિવેન્શન એન્ડ રેસ્ક્યુ સર્વિસિસ જોસેફ મુગીસાએ જણાવ્યું કે વેરહાઉસીસ સુધી પહોંચવા તેમને બહુ મહેનત કરવી પડી હતી.
એક વેરહાઉસના કર્મચારી ગિલ્બર્ટ સ્સેબાહાબોએ જણાવ્યું કે વેરહાઉસ તરફ જવા માટે ઓછી જગ્યા હોવાથી આગ બુઝાવવાના પ્રયાસોમાં અવરોધ ઉભો થયો હતો. તેમના જણાવ્યા મુજબ જે વેરહાઉસમાં ટેલિવિઝન સેટ મૂકવામાં આવ્યા હતા ત્યાંથી આગ શરૂ થઈ હતી અને અન્ય વેરહાઉસીસમાં ફેલાઈ હતી. અસર પામેલા અન્ય વેરહાઉસીસનો ઉપયોગ કેશવાલા ગ્રૂપ ડિસ્ટ્રિબ્યુટર્સ, સાવન ડિસ્ટ્રિબ્યુટર્સ અને AJP પ્રિન્ટિંગ સર્વિસિસ સહિત અન્યો દ્વારા થતો હતો.