કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીને સુપ્રીમ કોર્ટે શપથ લેવા પર પ્રતિબંધમાંથી બચાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે બંધારણીય કોર્ટના હુકમના અમલને અટકાવતો વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. તેમાં ચૂંટણી પંચના ચેરપર્સન જસ્ટિસ સાયમન બ્યાબાકામા ગેરકાયદેસર રીતે હોદ્દો સંભાળી રહ્યા હોવાને ટાંકીને આ આદેશ અપાયો હતો.
તાજેતરમાં બંધારણીય કોર્ટની જસ્ટિસ કેનેથ કાકુરુના નેતૃત્વ હેઠળની પાંચ જસ્ટિસની પેનલે ચૂકાદો આપ્યો હતો કે ફરજ પરના જજ પોતાનું રાજીનામુ આપે તે પહેલા એક્ઝિક્યુટિવની નોકરીમાં અથવા બંધારણીય હોદ્દા પર નીમાય તે ગેરકાયદેસર છે. આ સીમાચિહ્ન ચૂકાદાની અસર મુખ્યત્વે ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ (DPP) જેન ફ્રાન્સિસ એબોડો અને ચૂંટણી પંચના ચેરપર્સન જસ્ટિસ બ્યાબાકામા પર થઈ હતી.
બંધારણીય કોર્ટનો ચૂકાદો વકીલ સ્વ. બોબ એલ્ડ્રીજ કાસાન્ગોએ દાખલ કરેલી પિટિશનનું પરિણામ હતું. તેમણે તત્કાલીન ડીપીપી માઈક ચિબિતાએ આચરેલા પેન્શન કૌભાંડમાં તેમની સામેના પ્રોસિક્યુશનને પડકાર્યું હતું. બોબ જજ હતા ત્યારે તેમને ચીફ પ્રોસિક્યુટર તરીકે નીમવામાં આવ્યા હતા.
બંધારણીય કોર્ટના જસ્ટિસ કાકુરુએ જણાવ્યું હતું કે ન્યાયના રખેવાળ તરીકે જયુડિશિયલ ઓફિસરોએ આ બંધારણીય જરૂરિયાતનું પાલન કરવું જ જોઈએ. અન્ય લોકોને બંધારણનું પાલન કરાવવાની જરૂર જણાવતી વખતે તેમણે પોતે જે બંધારણના શપથ લીધા હોય તેની વિપરિત તેઓ કાર્ય કરતા હોવા જોઈએ નહીં. પરિણામે જ્યુડિશિયલ ઓફિસર જ્યુડિશિયરીમાંથી રાજીનામુ આપે તે પહેલા તેમની કોઈ પણ એક્ઝિક્યુટિવ કે બંધારણીય હોદ્દા પર નિમણૂક કરાઈ હોય તો તે રદબાતલ ગણાશે અને તે હોદ્દા પર તેમણે કરેલી કાર્યવાહી પણ રદબાતલ ગણાશે.
બંધારણીય ચુકાદાનો અર્થ એ થાય કે ઈલેક્શન કમિશનના ચેરપર્સન ગેરકાયદેસર રીતે હોદ્દા પર હતા તેથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયા જ રદબાતલ ગણાય. જોકે, સરકારે બંધારણીય કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતા કોર્ટે તે અરજી માન્ય રાખીને વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો.