કમ્પાલાઃ આફ્રિકન દેશ યુગાન્ડા પર લગભગ ચાર દાયકા સુધી શાસન કરનારા પ્રમુખ યોવેરી મુસેવેનીના વિરોધમાં શાંતિપૂર્વક અને નિઃશસ્ત્ર ઉભાં થવા વિપક્ષના નેતા બોબી વાઈને યુગાન્ડાવાસીઓને અનુરોધ કર્યો હતો. કમ્પાલામાં તેમના પક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ના મુખ્યમથક ખાતે બોલતાં વાઈને જણાવ્યું કે ૧૯૮૬માં સત્તા પર આવનારા અને ત્યારથી સત્તા પર રહેલા મુસેવેનીના વિરોધમાં જાહેર દેખાવોનો સમય આવી ગયો છે.
બોબી વાઈન તરીકે જાણીતા રોબર્ટ ક્યાગુલાન્યીએ જણાવ્યું કે જે શાસને આપણા પર દમન કર્યું છે, શોષણ કર્યું છે અને આપણને આપણાં જ દેશમાં ગુલામ બનાવી દીધા છે તે શાસન સામે શાંતિપૂર્વક એકત્ર થઈને નિઃશસ્ત્ર દેખાવો માટે હું સૌને અનુરોધ કરું છું. વિરોધ દેખાવો ક્યારથી શરૂ થશે તે વિશે કહ્યા વિના વાઈને જણાવ્યું કે આપને આપની સંબંધિત ડિસ્ટ્રિક્ટ ઓફિસે કૂચ કરી જવા અને જવાબ માગવા આપને અનુરોધ કરું છું.તેમણે ઉમેર્યું કે જે નાગરિકોને દમન થવાનું લાગતું હોય, જે મહિલાઓના પુત્ર ગુમ થઈ ગયા હોય, જે યુગાન્ડાવાસીઓએ મતદાન કર્યું હોય અને તેમને લાગતું હોય કે પરિણામમાં ફેરફાર થઈ ગયો છે તે સૌને શાંતૂપૂર્ણ દેખાવો કરવા અનુરોધ છે.
ગયા જાન્યુઆરીમાં છઠ્ઠી ટર્મ માટે જીતેલા મુસેવેનીને કુલ મતોના ૫૮ ટકા મત મળ્યા હતા. ૩૯ વર્ષીય વાઈન તેમના પ્રતિસ્પર્ધી હતાં. ૩૫ ટકા મત સાથે તેઓ બીજા ક્રમે રહ્યા હતા. તેમણે ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ગાયકમાંથી સાંસદ બનેલા વાઈને પરિણામ સ્વીકાર્યું હતું અને તે કોર્ટમાં જીતશે તેમ કહીને પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું. પરંતુ, ન્યાયતંત્ર મુસેવેનીની તરફેણમાં રહેતું હોવાનું કહીને તેમણે પિટિશન પાછી ખેંચી લીધી હતી.