કિન્હાસાઃ કોંગોના ઉત્તરી ભાગમાં ૨૨ ફેબ્રુઆરીએ યુએનના કાફલા પર થયેલા હુમલામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ખાતેના ઈટાલીના ૪૩ વર્ષીય રાજદૂત લુકા એટેન્સિઓ, ઈટાલિયન મિલિટરીના ૩૦ વર્ષીય પોલીસમેન વિટ્ટોરિઓ ઈયાકોવેસ્સિ અને યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કોંગોલીઝ ડ્રાઈવરનું મૃત્યુ થયું હોવાની ઈટાલીની સરકારે પુષ્ટિ કરી હતી.
યુએન એજન્સીએ જણાવ્યું કે તેઓ પૂર્વ પ્રાંતના પાટનગર ગોમાના રુત્શુરુમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) સ્કૂલ પ્રોજેક્ટની મુલાકાતે જતા હતા ત્યારે આ હુમલો થયો હતો. મિનિસ્ટ્રીની વેબસાઈટ પ્રમાણે એટેન્સિયો ૨૦૧૭થી કિન્હાસામાં ઈટાલી મિશનના હેડ હતા અને ૨૦૧૯માં રાજદૂત બન્યા હતા. તેઓ પરિણિત હતા અને તેમને ત્રણ પુત્રી હતી.
કોંગોના ફોરેન મિનિસ્ટર મેરી તુમ્બા ન્ઝેઝાએ ઈટાલી સરકારને પડેલી આ ખોટ બદલ તેમના અને તેમના દેશની સરકાર તરફથી સંવેદના પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે આ હત્યા માટે જવાબદારોને ઝડપી લેવા શક્ય તમામ પગલાં લેશે. ઈટાલીના પ્રમુખ સર્જિયો મેટ્ટેરેલાએ એક નિવેદનમાં આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને પીડિતોના પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવી હતી.
ઘટનાને જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે હુમલાખોરોએ એમ્બેસેડર પર કરેલા ગોળીબારમાં સિક્યુરિટી ઓફિસરનું મૃત્યુ થઈ ગયું. તે પછી DRCના આર્મ્ડ ફોર્સીસ FARDC ત્યાં પહોંચ્યા અને તેઓ એમ્બેસેડર બચાવીને તેને સારવાર માટે ગોમા લઈ ગયા હતા. અન્ય કેટલાંક ઘાયલોને પણ હોસ્પિટલે લઈ જવાયા હતા. કોઈ ગ્રૂપે આ હુમલાની જવાબદારી સ્વીકારી ન હતી. પરંતુ, વીરુંગા પાર્ક નજીક ઘણાં સશસ્ત્ર ગ્રૂપ કાર્યરત છે.