નાઈરોબીઃ યુકે અને કેન્યા વચ્ચે Sh૨૦૦ બિલિયનની વ્યાપાર સમજૂતી બાબતે અનિશ્ચિતતા સર્જી છે. યુકેએ વ્યાપાર સમજૂતીની સમીક્ષા કરી લીધી છે અને તે હવે કેન્યા તેને બહાલી આપે અને અમલીકરણની તારીખ અંગે સંમત થાય તેની પ્રતીક્ષા કરી રહ્યું છે. આ સમજૂતીની સમયમર્યાદા પૂરી થવામાં એક મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે. કેન્યાની પાર્લામેન્ટ ગયા મહિને જ તેને મંજૂરી આપવાની હતી પરંતુ, નેશનલ એસેમ્બલીના સ્પીકર જસ્ટિન મુતુરીએ ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્સ કમિટીના અહેવાલને આધારે રિપોર્ટમાં મહત્ત્વના ડોક્યુમેન્ટેશનનો અભાવ હોવાનું જણાવીને ચર્ચા અટકાવી દીધી હતી.
કેન્યા સ્મોલ – સ્કેલ ફાર્મર ફોરમ હેઠળ આવતા ખેડૂતોએ પણ હાઈ કોર્ટમાં EPA વિરુદ્ધ પિટિશન ફાઈલ કરી છે. ખેડૂતોએ સ્થાનિક બજારમાં યુકેની કેટલીક પ્રોડક્ટ્સના ડ્યૂટી ફ્રી પ્રવેશનો વિરોધ કરીને આ બિલને જાહેર ભાગીદારી વિના બહાલી આપવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. બન્ને દેશ વચ્ચે અંદાજે Sh૭૦ બિલિયન થી Sh૯૦ બિલિયન સાથે યુકે, આંતરરાષ્ટ્રીય રીતે કેન્યાના અગ્રણી વ્યાપાર ભાગીદારો પૈકી એક છે.
બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાઉસ ઓફ લોર્ડ્સમાં બીજી માર્ચે ચર્ચા પછી વ્યાપાર સમજૂતીની યુકેની ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ હતી. હવે તે કેન્યા તરફથી તેના અમલની તારીખની રાહ જુએ છે.
ગયા ડિસેમ્બરમાં બન્ને દેશ વચ્ચે સહી કરાયેલા ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (EPA)ના અમલમાં વિલંબ અંગે પાર્લામેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એકબીજા પર કરેલા દોષારોપણના પગલે આ કાર્યવાહી થઈ છે.
આ સમજૂતીને કેન્યાની બહાલી નહીં મળે તો કેન્યાથી થતી નિકાસ પર આ વર્ષના અંત સુધીમાં વધારાની ટેરિફ લાગુ પડશે.
કેન્યાની પાર્લામેન્ટમાં અગાઉ રજૂ કરાયેલા રિપોર્ટમાં યુકે ૨૫ વર્ષ સુધી જે ડ્યૂટી ફ્રી માલસામાન મોકલશે તેના પ્રકારની વિગતો સાથેના એનેક્ષચર્સ ન હતા. પાર્લામેન્ટને આ સમજૂતીમાં સુધારો કરવા અને તેના અંગે વાંધા વ્યક્ત કરવા પર મનાઈની શરતને લીધે તેને ગેરકાયદે ગણાવીને કેટલાંક સાંસદોએ ડીલ ન થવા દેવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ બન્ને દેશ વચ્ચેના EPAની સંપૂર્ણ વિગતોથી માહિતગાર નહીં થાય ત્યાં સુધી તેને બહાલી આપશે નહીં. રિપોર્ટમાં જે એનેક્સચર્સ (પરિશિષ્ટ)નો સમાવેશ કરાયો નથી તેમાં યુકેથી આવતા માલસામાનની કસ્ટમ વિગતો, સમજૂતીમાં જે પાર્ટીઓએ સહી કરી તેમનું સંયુક્ત નિવેદનનો સમાવેશ થાય છે.