કમ્પાલાઃ સામાન્ય રીતે જીરાફ તેની ખૂબ વધુ ઊંચાઈ માટે જાણીતા છે. ઊંચાઈને કારણે તેઓ ઉંચા ઝાડના પાંદડા સુધી પહોંચી શકે છે. તેથી નિયમિત જીરાફ કરતા ઓછી ઊંચાઈના બે જીરાફ મળી આવતાં વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું હતું. જીરાફ ૨૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે. પરંતુ, વૈજ્ઞાનિકોને ૨૦૧૫માં યુગાન્ડાના વાઈલ્ડલાઈફ પાર્કમાં ૯ ફૂટ ૩ ઈંચનું અને તેના ત્રણ વર્ષ પછી નામિબિયામાં સાડા આઠ ફૂટ ઊંચુ જીરાફ જોવા મળ્યું હતું.
વૈજ્ઞાનિકો આ સ્થિતિને સ્કેલેટલ ડિસપ્લેસિયા અથવા ડ્વાર્ફિઝમ કહે છે. તે હાડકાના વિકાસમાં અનિયમિતતાને લીધે થાય છે. આ બન્ને જીરાફની ડોક સામાન્ય રીતે હોય છે તેમ લાંબી હતી. પરંતુ, તેમના પગ ટૂંકા અને જાડા હતા. આ સંશોધન ડિસેમ્બરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું હતું.