કમ્પાલા, ન્યૂ યોર્કઃ તાજેતરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી દરમિયાન કથિત રૂપે લોકશાહી અને માનવ અધિકારની અવગણના કરનારા યુગાન્ડાના અધિકારીઓ પર અમેરિકાએ વિઝા વિઝા નિયંત્રણો મૂક્યા હતા. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની જે બ્લિન્કેને ૧૬ એપ્રિલે જણાવ્યું હતું કે ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી અને તે અગાઉ પ્રચારના ગાળા સહિત યુગાન્ડામાં લોકશાહી પ્રક્રિયાની અવગણના કરવા માટે જવાબદાર મનાતા અથવા તેમાં સંડોવાયેલા હોવાનું મનાતા લોકો પર વિઝા નિયંત્રણો મૂકાયા હતા.
તેમણે ઉમેર્યું કે યુગાન્ડાના બંધારણમાં લોકશાહી અને માનવ અધિકારને માન્યતા અને રક્ષણ અપાયા છે. યુગાન્ડા સરકારની કાર્યવાહી આ બન્નેને નજરઅંદાજ કરનારી હતી. વિપક્ષી ઉમેદવારોને સતત હેરાનગતિ કરાઈ હતી તેમની ધરપકડ અને કોઈપણ આરોપ વિના ગેરકાયદેસર રીતે અટકમાં રખાયા હતા. તેમણે ઉમેર્યું કે ડઝનબંધ નિર્દોષ લોકો અને વિપક્ષી સમર્થકોના મૃત્યુ અને ઈજા માટે તેમજ ચૂંટણી પહેલા, તે દરમિયાન અને પછી થયેલી પત્રકારો પરની હિંસા માટે યુગાન્ડાના સુરક્ષા દળો જવાબદાર હતા.
ચૂંટણી સંસ્થાઓને તેમજ પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને મદદરૂપ થવા કાર્યરત સિવિલ સોસાયટી સંસ્થાઓ અને કાર્યકરોને હેરાનગતિ, ધરપકડ, ધમકી, દેશનિકાલ અને ખોટા કાનૂની આરોપોનો ભોગ બનાવાયા હતા અને બેંક એકાઉન્ટમાં ઓપરેશન કરવા દેવાયું ન હતું.
બ્લિન્કેને વધુમાં જણાવ્યું હતું કે યુગાન્ડા સરકારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ચૂંટણી નિરીક્ષકો અને સિવિલ સોસાયટીને મર્યાદિત સંખ્યામાં મંજૂરી આપી હતી. પરંતુ, જેમને પ્રક્રિયા જોવાની મંજૂરી મળી હતી તેમણે ચૂંટણી પહેલા, તે દરમિયાન અને તે પછી વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાનું જણાવ્યું હતું. આ બાબત તેની વિશ્વસનીયતા સામે પ્રશ્ર ઉભા કરે છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણી પ્રક્રિયા મુક્ત કે નિષ્પક્ષ ન હતી.