કમ્પાલાઃ ગયા જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીને અનુલક્ષીને તથા વિવાદાસ્પદ મતદાન પછી વિપક્ષો પર વધી ગયેલા ઘાતકી દમનને તાત્કાલિક બંધ કરવા યુએનના માનવ અધિકાર નિષ્ણાતોએ યુગાન્ડાને અનુરોધ કર્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ખાસ કરીને વિપક્ષી નેતાઓ અને તેમના સમર્થકો પર થતા વ્યાપક અને સતત અત્યાચારોના અહેવાલથી તેઓ ચિંતિત છે.
ચેતવણી આપ્યા વિના ગોળીબારના ઉપયોગ સહિત નિર્દયી પોલીસીંગ પદ્ધતિઓના પરિણામે ૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે ચૂંટણી સંબંધિત અન્ય ઘટનાઓમાં અન્ય ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ ચૂંટણીમાં પીઢ શાસક યોવેરી મુસેવેની વિજેતા જાહેર થયા હતા. તેમાં પ્રચારના સમયે ઘણી હિંસા થઈ હતી તથા વિપક્ષની રેલીઓ પર દમન ગુજારાયું હતું.
નિષ્ણાતોએ હત્યા, ગેરકાયદેસર ધરપકડ અને અટકાયત, ગુમ થવાની ફરજ, અત્યાચાર અને ગેરવર્તણુંક સહિતા માનવ અધિકારના ભંગના તમામ બનાવોની તપાસ કરવા અને તેમની સામે અદાલતી કાર્યવાહી કરવા માટે યુગાન્ડાને અનુરોધ કર્યો હતો. યુગાન્ડામાં લાપતા થયેલા ડઝનબંધ લોકોની વિગતો માનવ અધિકાર સંસ્થાઓ પાસે છે.
બોબી વાઈનના પક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)એ માર્ચમાં ૨૪૩ લોકોની યાદી જાહેર કરી હતી તેમાં મોટાભાગના સક્રિય કાર્યકરો હતા. સુરક્ષા દળોએ તેમનું અપહરણ કર્યું હોવાનું તેઓ માને છે. તેમાંથી છોડાયેલા કેટલાંક લોકોએ જણાવ્યું હતું કે તેમના પર અત્યાચાર ગુજારાયો હતો અને રાત્રિના સમયે છૂટીછવાઈ જગ્યાએ તેમને છોડી મૂકાયા હતા.
૧૩ ફેબ્રુઆરીએ પ્રમુખ મુસેવેનીએ ટેલિવિઝન સંબોધનમાં ગુમ થયેલા લોકો સુરક્ષા દળો પાસે હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, પાછળથી તેમણે સ્પેશિયલ ફોર્સીસ કમાન્ડની કસ્ટડીમાં ૫૩ લોકો હોવાનું જણાવતા તેમનું નિવેદન વિરોધાભાસી જણાયું હતું.