કમ્પાલાઃ વીજચોરીને લીધે યુગાન્ડાને દર વર્ષે સરેરાશ Shs૧૦૦ બિલિયનનું નુક્સાન જતું હોવાનું પાવર ડિસ્ટ્રિબ્યટર Umemeએ જણાવ્યું હતું. મુતન્દવે સબસ્ટેશન ખાતે તેના કોર્પોરેટ અને કોમ્યુનિકેશન્સ મેનેજર પીટર કાઉજ્જુએ જણાવ્યું હતું કે વીજચોરીને લીધે દેશને ભારે નુક્સાન થાય છે. માત્ર ૧૨ મહિનાના ગાળામાં માત્ર વીજચોરીથી જ આ નુક્સાન થાય છે. નેટવર્ક સુધારવા માટે મૂડીરોકાણની દ્રષ્ટિએ જોઈએ તો આ રકમ ઘણી મોટી ગણાય. તેમાં કમ્પાલાનો ફાળો Shs ૪૦ બિલિયનનો છે.
ગેરકાયદે વીજ જોડાણ ધરાવતા લોકોની અટક અને ધરપકડ કરવા પોલીસના સહયોગથી Umemeના ઓપરેશન કોમ્બોઆની ફેરશરૂઆતની સમાંતરે કાઉજ્જુ સંબોધન કરી રહ્યા હતા. રાજકીય પ્રવૃત્તિઓ અને કોવિડ – ૧૯ની શરૂઆત પછી વાઈરસને ફેલાતો અટકાવવાના પ્રયાસમાં શારીરિક સંપર્ક ઓછો થાય તે માટે આ ઓપરેશન રોકી દેવાયું હતું. તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીને લીધે થોડી સફળતા મળી હતી અને કુલ એનર્જી લોસમાં ૧૩ ટકા જેટલો ઘટાડો થયો હતો.
સંખ્યાબંધ વપરાશકારોને લીધે ટ્રાન્સફોર્મર્સ ઓવરલોડેડ હોવાથી અપૂરતા વીજ પુરવઠા અને કરંટ લાગવાથી મૃત્યુ થાય છે. વીજચોરીને લીધે કોમર્શિયલ એનર્જી લોસ થાય છે જે તેનું એક કારણ છે.
આમાં સંપૂર્ણ નુક્સાન માત્ર Umemeને થતું નથી. પાવર સેક્ટર રેગ્યુલેટર - ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી ઓથોરિટી - એનર્જી લોસનું લક્ષ્ય નિશ્ચિત કરે છે જે Umeme ટેરિફ દ્વારા વસૂલી શકે છે. વીજચોરીની ખોટ સરભર કરવા માટે રેગ્યુલેટર જેટલું વધુ લક્ષ્ય આપે તેટલો બોજ બીલ ચૂકવતા નિયમિત ગ્રાહકો પર વધે છે. વીજચોરી જેવા માનવીય વર્તનથી થતાં લોસને કોમર્શિયલ લોસીસમાં મૂકાય છે.