કમ્પાલાઃ હેલ્થ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી ડો. ડાયના એટ્વીને જણાવ્યું હતું કે કોવિડ - ૧૯ની બીજી લહેરમાં કેસોને નિયંત્રણમાં નહીં લેવાય તો તેમને યુગાન્ડાવાસીઓ પર ફરી લોકડાઉન લાગૂ કરવાની ફરજ પડશે.
ડો. એટ્વીને જણાવ્યું કે બીજી લહેરમાં હાલ પરિસ્થિતિ વણસી રહી છે અને કેટલીક સરકારી હોસ્પિટલોમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ ભરાઈ ગયા છે. અમારા માટે જીવન પહેલા સ્થાને છે તેથી તેની (લોકડાઉન) શક્યતા નકારી શકાય નહીં. લોકો ગાઈડલાઈન્સનું પાલન નહીં કરે તો લોકડાઉન જ એકમાત્ર રસ્તો રહેશે અને હકીકતમાં કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન અમલમાં મૂકાશે.
હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે જગ્યા રહે તેમ અમે કરવા માગીએ છીએ. હામાં એન્ટેબીની હોસ્પિટલ ભરચક છે. મુલાગોમાં ૮૪ દર્દી હતા તે વધીને ૧૦૦ સુધી પહોંચ્યા હશે. તેમણે ઉમેર્યું કે હવે શું કરવું તે વિશે નિષ્ણાતો સાથે સંપૂર્ણ સલાહમસલત પછી તેઓ પ્રમુખ સાથે ચર્ચા કરશે.
તેમણે ઉમેર્યું કે બે દિવસ અગાઉ એક જ દિવસમાં ૧૮૭ કેસ નોંધાયા હતા તેથી હું સત્તાવાર કહી શકું કે યુગાન્ડામાં કોવિડ – ૧૯ની બીજી લહેર ચાલી રહી છે. અમારા આઈસીયુ અને એચડીયુ દર્દીઓથી ભરાઈ ગયા છે. એક જ અઠવાડિયામાં છ યુવાનોનું મૃત્યુ થયું છે તેથી સતર્ક રહેવાની જરૂર છે.