કમ્પાલાઃ ગયા માર્ચ અને એપ્રિલ વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થયા પછી યુગાન્ડા સરકારે દેશમાં કોવિડ – ૧૯ની બીજી લહેર ચાલી રહી હોવાની જાહેરાત કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જશે તો સંભવિત સંપૂર્ણ લોકડાઉન સહિત નિયંત્રણના કડક પગલાંની સરકારે ચેતવણી આપી હતી. મહામારીની બીજી લહેરથી દેશને બચાવવા સરકારે ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ૧ મેથી પ્રતિબંધ મૂક્યો છે
કમ્પાલામાં હેલ્થ મિનિસ્ટ્રીના મુખ્યમથકે પત્રકારોને સંબોધતા મિનિસ્ટરિયલ સાયન્ટિફિક એડવાઈઝરી કમિટીના ચેરપર્સન ડો. મિસાકી વાયેન્ગેરાએ જણાવ્યું કે બીજી લહેર વધુ તીવ્ર છે અને ભારતમાં જે થઈ રહ્યું છે તેવું યુગાન્ડામાં થઈ શકે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે મહામારી ધીમે ધીમે તબક્કાવાર શરૂ થાય છે અને પછી તેમાં ખૂબ ઝડપી તબક્કો આવ્યા પછી સ્થિરતાનો તબક્કો આવે છે. તેમણે ઉમેર્યું કે આપણે મહામારીના બીજા તબક્કામાં છીએ. એટલું જ કે આપણે ધીમા તબક્કામાં છીએ.
સરકારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ભારતીય સ્ટ્રેઈન ઉપરાંત યુગાન્ડન, નાઈજીરીયન, સાઉથ આફ્રિકન અને યુકે વેરીયન્ટ્સ સહિત ચાર અન્ય સ્ટ્રેઈન નોંધાયા હતા.
હેલ્થ મિનિસ્ટર જેન રુથ આસેંગે જણાવ્યું કે બાળકોમાં સંક્રમણના કેસોની સંખ્યામાં થઈ રહેલો વધારો જ સંક્રમણ વધી રહ્યું હોવાનું દર્શાવે છે. ૧૦થી ૨૯ વર્ષના જૂથમાં કેસોમાં નોંધપાત્ર વધારો અનુભવાયો છે. ૧૦થી ૧૯ વર્ષના બાળકોમાં કેસોમાં ૧૨ ટકાનો અને ૨૦થી ૨૯ વર્ષના લોકોમાં ૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ડો. આસેંગે જણાવ્યું કે કિર્યાદોંગો, અદજુમાની, સોરોટી, ઓય્મ, ગુલુ અને જીંજા જિલ્લામાં કોવિડ – ૧૯ની વધુ અસર થઈ છે.