કમ્પાલાઃ યુરોપિયન યુનિયન અને અમેરિકાએ યુગાન્ડામાં ૩૮ વર્ષીય વિપક્ષી નેતા બોબી વાઈન હાલ નજરકેદ હેઠળ છે ત્યારે ચૂંટણી હિંસા અંગે તપાસ માટે અનુરોધ કર્યો હતો. ઇન્ટરનેટ બ્લેક આઉટ અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે લાંબા સમયથી યુગાન્ડાના પ્રમુખ રહેલા યોવેરી મુસેવેનીને સતત છઠ્ઠી ટર્મ માટે વિજેતા જાહેર કરાયા હતા. યુગાન્ડાના વિપક્ષી નેતાઓ અને સમર્થકોએ સરકારી સુરક્ષા દળો દ્વારા ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભારે હેરાનગતિની ફરિયાદ કરી હતી.
યુગાન્ડાના સરકારી પ્રવક્તા ઓફ્વોનો ઓપોન્ડોએ અમેરિકાના એમ્બેસેડર પર રાજદ્વારી નિયમોનો ભંગ કરવાનો અને પોપ સ્ટારમાંથી રાજકારણી બનેલા અને હાલ નજરકેદ હેઠળ વિપક્ષી નેતા બોબી વાઈનની મુલાકાત લેવાના પ્રયાસમાં અટકચાળું કરવાનો આક્ષેપ કર્યો હતો. વાઈને ચૂંટણીમાં ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. વાઈન નજર કેદ છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ઓપોન્ડોએ જણાવ્યું હતું કે તે યુગાન્ડા સરકારની સુરક્ષા હેઠળ છે કારણ કે તે ઘણા દળોનું લક્ષ્ય બની શકે તેમ છે.
અમેરિકી એલચી નતાલી બ્રાઉને વાઈનને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેમની મુલાકાતનો હેતુ વાઇનની તબિયત અને સલામતીની ચકાસણીનો હતો. અમેરિકી એમ્બેસીએ જણાવ્યું હતું કે વાઈનનું ઘર સુરક્ષા દળોએ ઘેરી લીધું છે. વાઈન તેમના વકીલો અને પક્ષથી સંપર્ક વિહોણા છે.
સરકારી પ્રવક્તા ઓપોન્ડોએ જણાવ્યું હતું કે બ્રાઉનનો પ્રયાસ એક તોફાની હરકત કરવા જેવો હતો. તેમણે રાજદ્વારી નિયમોનું પાલન કરવું જોઈએ. અમેરિકી એમ્બેસીએ જણાવ્યું હતું કે યુગાન્ડાની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારો, તેમના કેમ્પેન સ્ટાફ સ્ટાફ અને સમર્થકોની ભારે કનડગત ઉપરાંત, મીડિયાને દબાવી દેવાયું અને સિવિલ સોસાયટી સંસ્થાઓની પ્રવૃતિઓ અટકાવી દેવાઈ હતી. મતદાનના દિવસ દરમિયાન અને તે પછી દેશભરમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. આ ગેરકાયદે પગલાં અને પ્રમુખપદના ઉમેદવારને સતત નજરકેદ રાખવા તે યુગાન્ડાની લોકશાહી માટે સતત ચિંતાજનક વલણ છે.