કમ્પાલાઃ યુગાન્ડા નેશનલ એક્ઝામિનેશન બોર્ડ (Uneb) દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતાં સિનિયર સિક્સના પરીક્ષાર્થીઓ પકડાશે અને ગુનેગાર પૂરવાર થશે તો તેમને દસ વર્ષની જેલની સજાની ચેતવણી અપાઈ હતી. એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડેન ઓડોંગોના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયે દેશના ૨,૩૩૯ પરીક્ષા કેન્દ્રો પરથી સિનિયર સિક્સના ૯૮,૩૯૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. યુગાન્ડા એડવાન્સ્ડ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (UACE)ની પરીક્ષાઓ નવા UNEB એક્ટ, ૨૦૨૧ હેઠળ લેવાશે. તેની વિગતો ૨૯મી માર્ચે ગેઝેટમાં પ્રકાશિત થઈ હતી.
આ કાયદા હેઠળ નેશનલ એક્ઝામિનેશન્સમાં ચોરી કે છેતરપિંડી કરતાં કોઈપણ પકડાશે તો તેને ૧૦ વર્ષની જેલ થશે અથવા Shs ૪૦ મિલિયનનો દંડ અથવા બન્ને થશે. તેવી જ રીતે ઉમેદવારો માટેની પરીક્ષાની રજિસ્ટ્રેશન ફીમાં જે લોકો ગેરરીતિ આચરશે તેમને પણ આવી જ સજા થશે. પરીક્ષામાં ગેરરીતિના ગુનામાં પણ જેલની મુદત છ મહિનાથી વધારીને પાંચ વર્ષ અથવા Shs ૫ મિલિયનનો દંડ કરાયો છે.
ઓડોંગોએ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ વિશે પોલીસને અથવા Unebને ટોલ – ફ્રી નંબર 0800211077 પર ફોન કરવા નાગરિકોને જણાવ્યું હતું.
Uneb તાજેતરમાં પૂરી થયેલી UCE અને PLE પરીક્ષામાં ગેરરીતિના શંકાસ્પદ કેસોની તપાસ કરી રહ્યું છે.Uneb એ જણાવ્યું હતું કે ખાસ જરૂરીયાત સાથેના ૨૦૦ ઉમેદવારો પરીક્ષામાં બેસશે. તેમાં ૫૫ને ટ્રાન્સક્રાઈબર્સ અને સાઈન લેંગ્વેજ ઈન્ટરપ્રીટર જેવા ક્રમચારીઓની મદદની જરૂર પડશે. સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલા પરીક્ષાર્થીઓને પરીક્ષાનું પેપર પૂરું કરવા માટે ૪૫ મિનિટનો વધારાનો સમય અપાશે.