કમ્પાલાઃ યુગાન્ડાની જમીનો યુગાન્ડાના લોકોની માલિકીની છે અને રાષ્ટ્રીય બંધારણમાં કરાયેલી જમીનના પ્રકારની સિસ્ટમની જોગવાઈ મુજબ તેમની પાસે રહેશે. બંધારણની કલમ ૨૩૭ (૧)માં જણાવાયું છે કે જમીન યુગાન્ડાના નાગરિકોની રહેશે અને કલમ ૨૬ (૧) વ્યક્તિગત અથવા સામુદાયિક રીતે જમીન ધરાવતા હોય તેવા લોકોના માલિકી હક્કનું રક્ષણ કરે છે.
યુગાન્ડામાં જમીનના પ્રકારની પદ્ધતિ આર્થિક, રાજકીય અને સામાજિક માળખાનો મહત્ત્વનો એક ભાગ છે. નાગરિકો પ્રાઈવેટ મેઈલો ટાઈટલ, ફ્રીહોલ્ડ ટાઈટલ્સ, લીઝહોલ્ડ ટાઈટલ અને કસ્ટમરી (૧૯૯૫ના યુગાન્ડાના બંધારણની કલમ ૨૩૭ (૩) અને જમીન કાયદાની કલમ ૨) એમ ચાર પ્રકારની શરતો હેઠળ જમીન ધરાવે છે.
પ્રાઈવેટ મેઈલો ટેન્યોર સિસ્ટમમાં જમીનની માલિકી ૧૯૦૦ યુગાન્ડા કરારના સમયથી ચાલી આવતી હોય તેનો સમાવેશ થાય છે. મોટોભાગે આવી જમીન બુગાન્ડા પ્રદેશમાં એટલે કે હાલના સેન્ટ્રલ યુગાન્ડામાં છે.
ફ્રીહોલ્ડ ટેન્યોર સિસ્ટમમાં ટાઈટલના સર્ટિફિકેટ પર જે વ્યક્તિની આજીવન જમીન માલિક તરીકે નોંધણી થઈ હોય તેવી કબજાની/માલિકીની જમીનનો સમાવેશ થાય છે. મોટાભાગના યુગાન્ડવાસીઓમાં આ પ્રકારની જમીન સૌથી વધુ લોકપ્રિય છે. કારણ કે લીઝ હોલ્ડ અને કસ્ટમરી લેન્ડ ટાઈટલનું ફ્રી હોલ્ડ જમીનમાં ફેરફાર (જમીન કાયદાની કલમ ૨૮ અને ૨૯) કરી શકાય છે.
લીઝહોલ્ડ ટેન્યોર સિસ્ટમની જમીન એટલે કે ભાડા પટ્ટાની જમીનમાં જમીન માલિક બીજી વ્યક્તિને ભાડાના બદલામાં ત્રણ વર્ષ અથવા તેથી વધુના ચોક્કસ સમયગાળા માટે ખાસ કબજો આપે છે. આ અંગેનો કરાર બન્ને પક્ષકારો વચ્ચે કોન્ટ્રાક્ટ દ્વારા અથવા કાયદા મુજબ થઈ શકે છે.
યુગાન્ડાની કોઈ ચોક્કસ કોમ્યુનિટી અથવા સમાજના નિયમો અને પરંપરાના આધારે માલિકીની જમીનનો કસ્ટમરી ટેન્યોર સિસ્ટમની જમીનમાં સમાવેશ થાય છે. યુગાન્ડામાં જમીન ધરાવવા માટે આ સર્વ સામાન્ય પ્રકાર છે.