કમ્પાલાઃ યુગાન્ડામાં ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા સત્તાવાર પરિણામો મુજબ છેલ્લાં ચાર દાયકાથી યુગાન્ડામાં શાસન કરતા પ્રમુખ મુસેવેની સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાયા હતા. જોકે, તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી બોબી વાઈને ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને પરિણામને નકારી કાઢ્યું હતું. યુગાન્ડાના ઈતિહાસમાં સૌથી તોફાની ચૂંટણી પ્રચારો પૈકી એક પછી યોજાયેલી ચૂંટણીમાં મુસેવેનીને ૫૯ ટકા અને વાઈનને ૩૫ ટકા મત મળ્યા હતા.
મુસેવેનીએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીનું સૌથી ઓછું ૫૭ ટકા મતદાન આ ચૂંટણીમાં થયું હતું.
૧૬ જાન્યુઆરીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં મુસેવેનીએ મતદારોની નિષ્ઠાની પ્રશંસા કરીને જણાવ્યું કે તે માને છે કે ૧૯૬૨થી અત્યાર સુધીની ચૂંટણીઓમાં આ સૌથી ‘ગેરરીતિ વિનાની’ હતી. તેમણે શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને લોકોનું જીવનધોરણ ઉંચુ લાવવાનું વચન આપ્યું હતું. પાટનગરમાં વિરોધ પ્રદર્શનોના અહેવાલો વચ્ચે મુસેવેનીએ ચેતવણી આપી કે કોઈપણ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે નિર્ણાયક કાર્યવાહી કરાશે.
બોબી વાઈન તરીકે જાણીતા રોબર્ટ ક્યાગુલાન્યીએ અગાઉ પણ મુસેવેની પર પરિણામો ઉપજાવી કાઢવાનો આક્ષેપ કર્યો હતો અને ચૂંટણીને ‘યુગાન્ડાના ઈતિહાસની સૌથી વધુ છેતરપિંડીથી ભરેલી’ ગણાવી હતી. આખરી પરિણામો જાહેર થયા તે પહેલા બોબી વાઈને યુગાન્ડાવાસીઓેને મુસેવેનીના વિજયને ફગાવી દેવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતે ‘ઘેરાબંધી હેઠળ’ છે. વાઈને જણાવ્યું હતું કે તેમની પાસે મતદાનમાં ગેરરીતિનો વીડિયો પૂરાવો છે અને ઈન્ટરનેટ ફરી શરૂ થશે એટલે તે તેને શેર કરશે.
ચૂંટણી પંચે મુસેવેનીના વિજયને સમર્થન આપ્યા પછી તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જણાતો હતો. શાસક પક્ષ નેશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ (NRM) ના સેક્રેટરી જસ્ટિન લુમુમ્બાએ જણાવ્યું હતું, ‘આપણું નેતૃત્વ કોણ કરે તે નક્કી કરવા માટે યુગાન્ડાવાસીઓ બહાર આવ્યા તે બદલ હું તેમનો આભાર માનું છું. હું ખૂબ જ ખુશ છું. આ વિજય સહેલો ન હતો’
ઉપરાષ્ટ્રપતિ સ્સેકાન્ડી હાર્યા
જોકે, મુસેવેનીના પક્ષ NRMને ભારે નુક્સાન થયું હતું. ઘણાં સાંસદો, કેબિનેટ મિનિસ્ટર્સ અને દેશના વાઈસ પ્રેસિડેન્ટ એડવર્ડ સ્સેકાન્ડી સહિત ૩૦ ઉમેદવારોએ મોટાભાગે વાઈનના નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ના ઉમેદવારો સામે તેમની બેઠક ગુમાવી હતી. ચૂંટણીપંચ દ્વારા ૧૫ જાન્યુઆરીએ જાહેર કરાયેલા પ્રાથમિક પરિણામો મુજબ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ પ્રારંભિક સરસાઈ મેળવી હતી.
૫૨૯ બેઠકો માટે યોજાયેલી પાર્લામેન્ટ ચૂંટણીના પરિણામો હજુ જાહેર થઈ રહ્યા છે. પરંતુ, યુગાન્ડાના મીડિયાએ જણાવ્યું કે NUPના ૫૬ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. જ્યારે અગાઉના સૌથી મોટા વિપક્ષ ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ (FDC) ના ૩૪ ઉમેદવારો વિજયી થયા હતા. અગાઉ ૨૦૧૬ની ચૂંટણીમાં FDCનો ૩૬ બેઠકો પર વિજય થયો હતો જ્યારે અગાઉની સંસદમાં NUPની એક પણ બેઠક ન હતી. વાઈન અપક્ષ ચૂંટાયા હતા અને ગયા વર્ષે પક્ષમાં જોડાયા હતા.
ઈયુ, યુએન અને અમેરિકા નિરીક્ષક ન બન્યા
અગાઉ ઈયુ, યુએન અને અમેરિકાએ જણાવ્યું હતું કે તેમના મોટાભાગના સ્ટાફને એક્રિડેશનનો ઈન્કાર કરાયો હોવાથી તે ચૂંટણીનું નિરીક્ષણ કરશે નહીં. નિરીક્ષકોએ જણાવ્યું હતું કે દેશભરમાં ઈન્ટરનેટ બંધ કરવા જેવા સરકારી દળોએ લીધેલાં પગલાંથી તે અવરોધાયું હતું. આ પગલાંને લીધે પારદર્શિતા અવરોધાઈ હતી. યુગાન્ડામાં ચૂંટણી પ્રચાર સૌથી હિંસક રહ્યો હતો. તેમાં હત્યા, પ્રચારકો અને સિવિલ સોસાયટી ગ્રૂપની ધરપકડ અને સુરક્ષા દળો દ્વારા ધમકીઓનો સમાવેશ થતો હતો. યુગાન્ડાના સત્તાવાળાઓએ દેશભરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.
બોબી વાઈનને પોતાની સુરક્ષા માટે શંકા
અગાઉ પોતાના ઘરના ગાર્ડનમાં યોજેલી પત્રકાર પરિષદમાં વાઈને તેમના પક્ષના પોલીંગ એજન્ટોને માર મારવાની, બેલટ બોક્સ સાથે ચેડાં સહિતની ચૂંટણીલક્ષી ગેરરીતિઓ વિશે જણાવ્યું હતું. યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ૧૪ જાન્યુઆરીની સાંજથી તેમના ઘરને સૈનિકોએ ઘેરી લીધું છે. ૩૮ વર્ષીય વાઈને પત્રકારોને જણાવ્યું કે તેમણે ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવ્યા પછી સૈનિકો તેમના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને આવ્યા હતા અને તેમના ઘરને ઘેરો ઘાલ્યો હતો તેથી તેઓ ભયમાં હોવાનું તેમને લાગ્યું હતું.