હરારેઃ ઝિમ્બાબ્વે પર ૩૭ વર્ષ સુધી શાસન કરનારા પૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના વિધવા ગ્રેસ મુગાબેને પોતાના પતિને અયોગ્ય પદ્ધતિએ અયોગ્ય સ્થળે દફનાવવા બદલ પાંચ ગાય અને બે બકરી દંડ તરીકે આપવા માટે ટ્રેડિશનલ કોર્ટે આદેશ કર્યો હતો.
કોર્ટ આરોપીને ફરજ પાડી શકતી નથી પરંતુ, તેના નિર્ણયોનું પ્રતિકાત્મક મહત્ત્વ ખૂબ વધારે હોય છે. તાજેતરમાં આરોપી ગ્રેસ મુગાબેની ગેરહાજરીમાં આ કોર્ટ મળી હતી. તેમના પર ૨૦૧૯માં ૯૫ વર્ષની વયે મૃત્યુ પામેલા તેમના પતિને હરારેથી પશ્ચિમે ૯૦ કિ.મીના અંતરે આવેલા કુતામામાં પોતાના જન્મસ્થળના આંગણામાં દફનાવવાનો આરોપ છે. લગભગ ૧૫ લોકોની હાજરીમાં આ કોર્ટ મુરોમ્બેદ્ઝી ખાતે યોજાઈ હતી.
આ સુનાવણીમાં પત્રકારો હાજર રહી શક્યા ન હતા. કોર્ટના વડાએ જણાવ્યું હતું કે તેમને થોડીક પ્રાઈવસી જોઈતી હતી.
ચીફ ઝ્વિમ્બાએ દાવો કર્યો હતો કે રોબર્ટ મુગાબેને તેમની માતાએ અથવા તે જે પરિવારમાં જન્મ્યા હતા તેણે પસંદ કરેલા સ્થળે દફનાવવા જોઈતા હતા. ગ્રેસ મુગાબે તે સ્થળેથી તેમના મૃતદેહને બહાર કાઢીને જે સ્થળે રોબર્ટ મુગાબેના માતા બોનાને દફનાવ્યા હતા ત્યાં ફરી દફનાવે તેમ ચીફ ઈચ્છે છે. કે જણાવ્યું
પરંતુ, રોબર્ટ મુગાબેના ભત્રીજાએ SABC ન્યૂઝને જણાવ્યું હતું કે આ મુદ્દે પરિવારમાં કોઈ ઘર્ષણ નથી, કારણ કે રોબર્ટ મુગાબેએ તેમની હયાતીમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમને તે સ્થળે દફનાવાય તેવું તે ઈચ્છતા નથી.
ઝિમ્બાબ્વેના વર્તમાન પ્રમુખ એમરસન મ્નાન્ગ્વા મુગાબેને હરારેમાં નેશનલ હોલ ઓફ હિરોઝ ઓફ ધ લીબરેશન સ્ટ્રગલમાં દફનાવવા ઈચ્છે છે.