મસેરુઃ લીસોથોમાં આવેલી દેશની સૌથી મોટી મેડિકલ ગાંજા ઉત્પાદક એમ.જી હેલ્થ કંપની ઈયુને મેડિકલ ગાંજો વેચવા માટે લાયસન્સ મેળવનારી આફ્રિકાની પ્રથમ કંપની બની છે. તે ઈયુના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) ના ધારાધોરણોની ચકાસણીમાં સફળ થઈ હતી. તેને કેનાબીસ ફ્લાવર ઓઇલ અને તેના ઓઈલ તથા અર્કને એક્ટિવ ફાર્માસ્યુટિકલ પદાર્થ તરીકે નિકાસ કરવાની મંજૂરી મળી છે.
કંપની આ વર્ષે તેની પ્રથમ બેચ જર્મનીને નિકાસ કરશે. જીએમપી ગાઈડલાઈન્સમાં મેન્યુફેક્ચર અથવા ઉત્પાદકે તેનું ઉત્પાદન સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાનું છે તે સુનિશ્ચિત કરવાનું હોય છે. કંપનીને આશા છે કે તેને મળેલી માન્યતાને લીધે ઈયુના વધુ દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના માટે બિઝનેસના દ્વાર ખૂલી જશે. કંપનીને ફ્રાન્સ યુ.કે અને ઓસ્ટ્રેલિયા પાસેથી ઇન્કવાયરી મળી ચૂકી છે. ગયા વર્ષના ઓગસ્ટના અહેવાલ મુજબ યુરોપિયન કેનાબીસ માર્કેટ આગામી ૨૦૨૭ સુધીમાં ૨૬ મિલિયન પાઉન્ડનું થશે તેવો અંદાજ મૂકાયો હતો.
પર્વતીય પ્રદેશમાં પાટનગર મસેરુ બહાર આવેલી આ કંપનીમાં ૨૫૦નો સ્ટાફ છે. કંપનીનું ૫,૦૦૦ ચોરસ મીટરનું ફાર્મ છે. કંપનીના કોમ્યુનિટી લાઇસન મેનેજર ન્થાબેલેંગે પીટે જણાવ્યું હતું કે કંપની કર્મચારીઓની સંખ્યા વધારીને ૩,૦૦૦ કરવા માગે છે, જે લગભગ ત્યાંની વસ્તી જેટલી છે. તેમણે ઉમેર્યું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ શરૂ થશે અને તેને લીધે ગ્રામજનોમાં ગુનાખોરી અને ગરીબીમાં ઘટાડો થશે. કંપનીને વધુ બિઝનેસ મળશે તો સ્થાનિક લોકોને પણ તેનો લાભ થશે.