માપુટાઃ વર્લ્ડ બેંકે ઉત્તર મોઝામ્બિકમાં એક ઈમરજન્સી રીકવરી પ્રોજેક્ટ માટે ૧૦૦ મિલિયન ડોલર મંજૂર કર્યા હતા. આ વિસ્તારમાં જેહાદી બળવાખોરીના કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. ૩ વર્ષના ૭૦૦ મિલિયન ડોલરના પ્રોજેક્ટના ભાગરૂપે ફંડિંગ માટેના કરાર પર સરકાર અને આ પ્રોજેક્ટ સંભાળી રહેલ યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર પ્રોજેક્ટ સર્વિસીસ (UNOPS)એ હસ્તાક્ષર કર્યા હતા.
બિન-સરકારી સંગઠન Acledના જણાવ્યા મુજબ ત્રણ વર્ષની હિંસામાં લગભગ ૨,૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
૨૦૧૭ થી અલ – શબાબ તરીકે સ્થાનિક સ્તરે જાણીતા ગ્રૂપ દ્વારા લોહિયાળ જેહાદી પ્રવૃત્તિઓને લીધે ગેસ સમૃદ્ધ કાબો ડેલ્ગાડો પ્રાંતને ભારે નુક્સાન થયું છે. મોટા પાયે હિંસામાં વધારાની એક ઘટનામાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓએ ગઈ ૨૪ માર્ચે દરિયાકાંઠે આવેલા પાલ્મા શહેર પર હુમલો કર્યો હતો. તેમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા અને ૨૫,૦૦૦ થી વધુ લોકો શહેર છોડી ગયા હતા.
પ્રાંતીય પાટનગર પેમ્બામાં હસ્તાક્ષર વિધિમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ ફિલિપ ન્યૂસીએ જણાવ્યું કે મોઝામ્બિકવાસીઓએ જીવ ગુમાવ્યા છે તેની પીડા અને દુઃખ છતાં આ કરાર મદદરૂપ થશે. તેમણે વિકાસના રાષ્ટ્રીય એજન્ડા પર વધુ ધ્યાન આપવા ઉપરાંત આ મુશ્કેલીમાંથી સંગઠિત થઈને બહાર આવવાનો અને આતંકવાદીઓ સાથેની લડાઈમાં વિજય મેળવવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ યોજનાની મુખ્ય બાબત સામાજિક-આર્થિક સમાવેશ મારફતે આ નિર્બળતાની પરિસ્થિતિમાંથી પરિવારોને બહાર લાવવાનો છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારોને ફરીથી સામાન્ય બનાવવા માગે છે.
UNOPSના ડિરેક્ટર ફોર ઈસ્ટ એન્ડ સધર્ન આફ્રિકા રેનર ફ્રોએનફેલ્ડે જણાવ્યું કે આ ફંડિંગથી સ્થાનિક વિકાસને મદદ મળશે.