કમ્પાલાઃ પ્રમુખ યોવેરી તિબાહાબુરવા કાગુટા મુસેવેનીએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયા કોવિડ -૧૯ના ગંભીર પરિણામોનો સામનો કરી રહી છે ત્યારે દરેક દેશ તેના બાયોલોજી અને કેમીસ્ટ્રીના પ્રોફેશનલ્સ મૃત્યુને અટકાવે તેવી વેક્સિન ઝડપથી શોધી કાઢે તેવી તેમની પાસે આશા રાખે છે.
વિશ્વ વિજ્ઞાન દિવસની રાષ્ટ્રીય ઉજવણીના ઉદઘાટન પ્રસંગે 'સાયન્સ ફોર એન્ડ વીથ ધ પીપલ ઈન ધ એરા ઓફ અ ગ્લોબલ પેન્ડેમિક' થીમ પર ક્યામબોગો યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ એડવર્ડ કિવાનુકા સ્સેકાન્ડીએ તેમના વતી ભાષણ વાંચ્યુ હતું. પ્રમુખે તેમાં ભારપૂર્વક જણાવ્યું કે વિજ્ઞાનમાં રોકાણના લાભોને નજરઅંદાજ કરી શકાય નહીં કારણ કે પ્રથમ વિશ્વના દેશો સાયન્સ, એન્જિનિયરિંગ અને ઈન્ફર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં વધુ રોકાણને લીધે આગળ છે.
પ્રમુખ મુસેવેનીએ કોરોના માટે વેક્સિન શોધી કાઢવા માટે વિદેશમાં વસતા યુગાન્ડાના પ્રોફેશનલ્સ સાથે મળીને મેડિકલ રિસર્ચમાં સતત કાર્ય કરતા દેશના હેલ્થ વર્કરોની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે વેક્સિનની શોધ કરી રહેલા પ્રોફેશનલ્સમાં એક યુગાન્ડાવાસી હશે.
પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું કે સહારન આફ્રિકામાં વ્યાપેલા ઈબોલાના સંક્રમણ અને કોંગો હેમરેજ ફીવર ઘટાડવામાં પણ યુગાન્ડાના મેડિકલ પ્રોફેશનલ્સ મદદરૂપ થયા હતા.
બાળકો વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં રસ લેતા થાય તે માટે હાથ ધરાયેલી યંગ એન્જિનિયર્સ ઓર્ગેનાઈઝેશન જેવી પહેલની પ્રમુખે પ્રશંસા કરી હતી. આ સંસ્થામાં સાત વર્ષના બાળકો કન્વેયર બેલ્ટ્સ, ફૂડ મિક્સર્સ તથા અન્ય જેવા પ્રોજેક્ટ્સ જાતે તૈયાર કરે છે.
સાયન્સ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશનના મિનિસ્ટર ડો. એલિઓડા ટુમ્વેસિગ્યેએ જણાવ્યું કે હાલ યુગાન્ડા મેલેરિયાની દવા, કોપી રેઝિસ્ટન્ટ પ્લાન્ટીંગ તથા અન્ય સંખ્યાબંધ નવા ઈનોવેશન્સને નાણાંકીય સહાય આપી રહ્યું છે.