કમ્પાલાઃ લુકા જિલ્લાના બુકાંગા, વાઈબુંગા અને નવામ્પીતી કાઉન્ટીના શેરડી ઉગાડતા ખેડૂતોએ સુગર પ્રોસેસિંગ ફેક્ટરીઓ દ્વારા તેમને પરમીટ આપવાનો ઈનકાર કરાયા બાબતે સંસદ સમક્ષ પિટિશન કરી હતી. લુકાના વકીલ જૂલિયસ મુલીકોએ ખેડૂતો વતી આ પિટિશન સ્પીકર રેબેકા કડાગાને ૨૨ એપ્રિલે સુપ્રત કરી હતી.
મોટાભાગના ખેડૂતોને પરમીટ આપવાનો ઈનકાર કરાયો છે ત્યારે કેટલાંક ખેડૂતો પરમીટ મેળવવા માટે ફેક્ટરી માલિકો સાથે મળીને મેલી રમત રમતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુલીકોએ જણાવ્યું કે કાકીડા સુગર વર્ક્સ અને મયુગે સુગર લિમિટેડના પ્રતિનિધિઓએ બુસોગામાં ખેડૂતોનો સંપર્ક સાધ્યો હતો અને તેઓ તેમને વેચાણથી શેરડી પૂરી પાડે તેવી આશા સાથે તેમને શેરડી વાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કેટલાંક ખેડૂતો બેંક લોન લઈ શકે તે માટે તેમને ભલામણપત્રો પણ અપાયા હતા.
આ ખેડૂતોને શેરડીના સપ્લાયની પરમીટ મંજૂર કરવા અને તેમની શેરડી ખરીદવાનો સમય આવ્યો ત્યારે ફેક્ટરીના માલિકોએ તેમના વચનનું પાલન કર્યું ન હતું. શેરડી વેચાઈ જાય એટલે રકમ ચૂકવવાની આશામાં આ ખેડૂતોએ લોન લીધી હતી. જોકે, આમ થતાં તેઓ લોન પરત ચૂકવી શકે તેમ નથી. તેમાંથી કેટલાંકે તેમની મિલકત ગુમાવી દીધી છે અને આપઘાત કરી રહ્યા છે.
આ મામલામાં દરમિયાનગીરી કરવા માટે મુલીકોએ સંસદને અનુરોધ કર્યો હતો અને પ્રમુખને આ પ્રદેશમાં સુગર ફેક્ટરીના નિર્માણનું તેમનું વચન યાદ અપાવવા તેમણે સ્પીકરને જણાવ્યું હતું.
સ્પીકર કડાગાએ ખેડૂતોના એસોસિએશન અને સંબંધિત સુગર ફેક્ટરીઓ વચ્ચે બેઠક યોજવાની વ્યવસ્થાનું વચન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક ખેડૂતો માટે સુગર પ્રોસેસિંગ મિલ માટે આગામી રાષ્ટ્રીય બજેટમાં યુગાન્ડા ડેવલપમેન્ટ કોર્પોરેશનને ફંડ મળે તેની તેઓ તકેદારી રાખશે.